ખાલિસ્તાનીઓને લઇને ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે મણિપુર સાથે સંકળાયેલા એક આદિવાસી સંગઠનના નેતા અને ખાલિસ્તાનીઓ વચ્ચે કેનેડામાં બેઠક યોજાઇ હતી. ભારતે આતંકી જાહેર કરેલા ખાલિસ્તાની હરદીપ નિજ્જરે કબજે કરેલા સરેના ગુરૂદ્વારામાં આ બેઠક યોજાઇ હતી. જેમાં આ આદિવાસી નેતાને બોલવાની તક આપવામાં આવી હતી. આદિવાસી નેતાનું નામ લીએન ગાંગટે છે અને તે નોર્થ અમેરિકન મણિપુર ટ્રાઇબલ અસોસિએશન (નામતા) નામનું આદિવાસી સંગઠન ચલાવે છે.
કેનેડાના સૂરેયમાં આવેલા નિજ્જરના કબજાવાળા ગુરૂદ્વારામાં ગયા મહિને નોર્થ અમેરિકન મણિપુર ટ્રાઇબલ અસોસિએશનના નેતા લીએન ગાંગટે અને ખાલિસ્તાનીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. આ દરમિયાન લીએન ગાંગટેએ પોતાના ભાષણમાં ભારતમાં લઘુમતીઓ પર અત્યાચાર મુદ્દે વાત કરી હતી. બે મહિના પહેલા માર્યા ગયેલા ખાલિસ્તાની નિજ્જરે કેનેડાના આ સરેના આ ગુરૂદ્વારા પર કબજો કરી રાખ્યો હતો અને તેને ભારત વિરોધી કૃત્યોનું બેઝ બનાવી દીધુ હતું. મણિપુર માટે કામ કરતા આ આદિવાસી નેતા અને નિજ્જરના સાથીઓ વચ્ચે આ બેઠક યોજાઇ હોવાનો દાવો આ રિપોર્ટમાં કરાયો છે.
આ આદિવાસી નેતા જે સંગઠન સાથે જોડાયેલા છે તે સંગઠન અમેરિકામાં કામ કરે છે, તેની પોતાની વેબસાઇટ પણ છે. સાથે જ સંગઠન દ્વારા સોશિયલ મીડિયા પર ખાલિસ્તાનીઓ અને પોતાના નેતાની બેઠકની જાણકારી પણ આપવામાં આવી હતી. સંગઠને ટ્વીટર પર પોસ્ટ કરીને કહ્યું હતંુ કે અમારા પોતાના નામતા સંગઠનના કેનેડાના પ્રમુખ લીએન ગાંગટેએ સરે ગુરુદ્વારામાં બેઠક યોજી હતી. શીખ સમાજના લોકોએ અમારા આ દુઃખભર્યા સમયમાં સાથસહકાર આપ્યો તે બદલ તેમનો આભાર. આ સંગઠનની વેબસાઇટ પર મણિપુર હિંસાની અનેક તસવીરો અપલોડ કરાયેલી છે, સાથે જ હિંસા અંગે અનેક આર્ટિકલો પણ પ્રકાશિત કરાયા છે.
ખાલિસ્તાનીઓ હાલ અલગ ખાલિસ્તાનની માગણીને લઇને ભારત વિરોધી દેશો ચીન અને પાકિસ્તાનના પણ સંપર્કમાં હોવાના અહેવાલો છે. એવામાં મણિપુર હિંસાનો ફાયદો ઉઠાવી અને મણિપુરના લોકોની ભાવનાઓનો ઉપયોગ ખાલિસ્તાનીઓ પોતાના દેશ વિરોધી કૃત્યો માટે કરવા માગી રહ્યા હોવાના અહેવાલો છે. આ રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે ખાલિસ્તાનીઓેએ જ મણિપુર આદિવાસી નેતાને આ મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું. એવા પણ અહેવાલો છે કે નામતા સંગઠન વિદેશોમાં મણિપુરનો મામલો ઉઠાવી રહ્યું છે. ભારત સરકાર માટે આ ખુલાસો ચિંતાજનક સાબિત થઇ શકે છે. મણિપુરમાં છેલ્લા ચાર મહિનાથી હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ૧૮૦થી વધુ લોકો માર્યા ગયા છે, તાજેતરમાં જ સમગ્ર રાજ્યને અશાંત જાહેર કરી દેવાયું છે. સાથે આફ્સ્પા લાગુ કરાયો છે.
બીજી તરફ ભારતમાં પ્રતિબંધિત શીખ ફોર જસ્ટિસના ખાલિસ્તાની આતંકી પન્નુએ એક વીડિયો જાહેર કરીને કહ્યું છે કે પીએમ મોદી તમે શહીદ નિજ્જરની હત્યા માટે જવાબદાર છો, શીખ ફોર જસ્ટિસ આ હત્યાનો બદલો લેશે, અમારો ટાર્ગેટ છ ઓક્ટોબરના રોજ અમદાવાદમાં યોજાનારો આઇસીસી વર્લ્ડકપ મેચ છે. અગાઉ આ જ પ્રકારની અનેક ધમકીઓ પન્નુ આપી ચુક્યો છે. જોકે નિજ્જર માત્ર સોશિયલ મીડિયા પર જ સક્રીય છે, તેને અનેક શીખ નેતાઓએ જાકારો આપ્યો છે અને સમર્થન નથી મળી રહ્યું.