મહેસાણા ખાતે રાધનપુર રોડ ઉપર આવેલી ડિઝ કિંગ્ડમ પ્રિ સ્કૂલમાં નાનાં ભૂલકા પાસે બકરી ઇદની ઉજવણી કરાવવામાં આવતાં હિન્દુ સંગઠનોમાં રોષ ભભૂકી ઉઠયો છે. બીજી તરફ આ સ્કૂલના પ્રોપર્ટી માલિકે સ્કૂલ સંચાલકને લીગલ નોટિસ કટકારી છે અને દિન-7માં મિલકત ખાલી કરી દેવા તાકીદ કરી છે.
શાળામાં અભ્યાસ કરતાં બાળકોનાં એડમિશન રદ કરાવી દેવામાં આવે
બકરી ઈદના પૂર્વ દિને બકરીના ચિન્હ સાથે ઉજવણી કરાતાં હિન્દુ સંગઠનો કિડ્ઝ કિંગ્ડમ સ્કૂલ સામે પહોંચ્યાં હતાં અને તેમાં વાલીઓ પણ જોડાયા હતા. સૂત્રોચ્ચાર કર્યા બાદ તેમણે રામધૂન પણ બોલાવી હતી. હિન્દુ સંગઠનોએ વાલીઓને અનુરોધ કર્યો છે કે આ શાળામાં અભ્યાસ કરતાં બાળકોનાં એડમિશન રદ કરાવી દેવામાં આવે.
બકરી ઈદની ઉજવણીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો
ઇંગ્લીશ મિડિયમની આ પ્રિ-સ્કૂલમાં બકરી ઈદની ઉજવણીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. સ્કૂલના સંચાલક આકાશ ગૌતમે આ ભૂલ માટે માફી માંગી છે અને પોતે બ્રાહ્મણ છે અને હિન્દુ ધર્મનાં દેવી દેવતાઓને દિલથી માને છે. તેમની સ્કૂલમાં ભૂતકાળમાં આવી કોઈ ભૂલ થઈ નથી અને બકરી ઇદની ઉજવણી અંગે દિલગીરી વ્યકત કરી ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેવી ખાત્રી આપી છે. બીજી તરફ, સ્કૂલ સંચાલિકાએ પણ હિન્દુ સંગઠનો અને વાલીઓની માફી માંગી છે. જો કે કિડઝ કિંગ્ડમ સ્કૂલમાં બકરી ઈદની ઉજવણીનો વિવાદ શમ્યો નથી અને તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે.