રાજકોટ જિલ્લાનાં ઉપલેટા ખાતે મોજ નદી પરના પુલ પર એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. બેફામ ગતિએ પસાર થતી કાર ડ્રાઈવરને ઝોકું આવતાં પુલની દિવાલ સાથે અથડાઈ ગઈ હતી. સદભાગ્યે કારમાં સવાર દંપતી અને એક બાળકનો આબાદ બચાવ થયો છે.
કેવી રીતે બની ઘટના?
મળતી માહિતી મુજબ, ઉપલેટાના નાગનાથ ચોક નજીક મોજ નદી પર આવેલા પુલ પરથી એક કાર વધુ ઝડપે પસાર થઈ રહી હતી. આ દરમિયાન ડ્રાઈવરને ઝોકું આવી જતાં સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે કાર સીધી પુલની દિવાલ સાથે અથડાઈ ગઈ.
પુલ પર લગાવવામાં આવેલી લોખંડની ગ્રીલને કારણે કાર 70 ફૂટ નીચે ખાબકતી અટકી ગઈ. ગ્રીલ અને દિવાલને ભારે નુકસાન થયું હોવા છતાં કારમાં સવાર પરિવારનો ચમત્કારીક રીતે બચાવ થયો.
એરબેગ્સ ખુલતાં ટળી મોટી જાનહાની
અકસાર એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ બની ગયો હતો. જોકે, કારની એરબેગ્સ સમયસર ખુલતાં દંપતી અને બાળકને ગંભીર ઇજા પહોંચતી અટકી.
સ્થાનિક લોકોની મદદથી પરિવારને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં વધી રહેલા માર્ગ અકસ્માતો
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી બેફામ ડ્રાઈવિંગ અને ઊંઘમાં ડ્રાઈવિંગ જેવી બેદરકારીને કારણે માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. નિષ્ણાતો ડ્રાઈવિંગ દરમિયાન પૂરતી ઊંઘ અને સાવચેતી રાખવા અપીલ કરી રહ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel