અમેરિકન પ્રમુખ જો બાઈડેન જી-૨૦ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે શુક્રવારે દિલ્હી આવી પહોંચ્યા હતા. દિલ્હી પહોંચતા જ તેમણે સીધા જ પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને નેતાઓએ ભારત-અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય સંરક્ષણ ભાગીદારી વધુ ગાઢ બનાવવા પર ભાર મૂક્યો હતો. બીજીબાજુ પ્રમુખ બાઈડેને ભારતની ૩૧ ડ્રોન ખરીદવાની અને સંયુક્તપણે જેટ એન્જિન વિકસાવવાની દરખાસ્ત આવકારી હતી. બીજીબાજુ પીએમ મોદીએ બાંગ્લાદેશ અને મોરેશિયસના વડાપ્રધાનો સાથે પણ દ્વિપક્ષીય ચર્ચા કરી હતી.
અમેરિકન પ્રમુખ જો બાઈડેનેને શુક્રવારે દિલ્હી એરપોર્ટ પર કેબિનેટ મંત્રી વીકે સિંહે આવકાર્યા હતા. બાઈડેન ત્યાર પછી ભારતમાં અમેરિકન રાજદૂત એરિક ગાર્સેટી અને તેમની પુત્રી માયાને મળ્યા હતા. બાઈડેન ભારત આવનારા અમેરિકાના ૮મા પ્રમુખ છે. બાઈડેન દિલ્હી એરપોર્ટથી સીધા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસે પહોંચ્યા હતા, જ્યાં બંને નેતાએ દ્વિપક્ષીય બેઠક કરી હતી. લગભગ ૫૦ મિનિટ સુધી ચાલેલી આ બેઠકમાં બંને નેતાઓએ ભારતના જી-૨૦ પ્રમુખપદ, પરમાણુ ઊર્જામાં સહકાર, ૬-જી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવી ઊભરતી ટેક્નોલોજીસ અને બહુસ્તરીય ડેવલપમેન્ટ બેન્કોના માળખાગત પુનર્ગઠનના માર્ગો સહિતના વિષયો પર ચર્ચા કરી હતી.
Happy to have welcomed @POTUS @JoeBiden to 7, Lok Kalyan Marg. Our meeting was very productive. We were able to discuss numerous topics which will further economic and people-to-people linkages between India and USA. The friendship between our nations will continue to play a… pic.twitter.com/Yg1tz9kGwQ
— Narendra Modi (@narendramodi) September 8, 2023
પ્રમુખ બાઈડેન અને પીએમ મોદીની મુલાકાત અંગે પીએમઓએ જણાવ્યું હતું કે, બંને નેતાઓ વચ્ચે અનેક મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા થઈ હતી. બંને નેતાએ ભારત અને અમેરિકાના સંબંધોને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. બાઈડેને અમેરિકા પાસેથી ૩૧ ડ્રોન ખરીદવા માટે ભારતના સંરક્ષણ મંત્રાલયના રિક્વેસ્ટ લેટરનું સ્વાગત કર્યું હતું.
બાઈડેન સાથેની મુલાકાત પછી પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર કહ્યું, પ્રમુખ બાઈડેનને ૭ લોક કલ્યાણ માર્ગ પર રિસિવ કરીને ખુશ છું. અમારી મુલાકાત ઘણી જ સાર્થક રહી. અમે અનેક મુદ્દાઓ પર વાતચીત કરી. બંને દેશ વચ્ચે આર્થિક મુદ્દા પર સહયોગ વધારવામાં આવશે. સાથે જ બંને દેશોના લોકો વચ્ચે સંપર્ક પણ વધારાશે.
ભારત-અમેરિકાની દ્વિપક્ષીય બેઠક પછી બંને નેતાઓએ સંયુક્ત નિવેદન બહાર પાડયું હતું.
બાઈડેને કહ્યું કે, ભારતનું જી-૨૦ અધ્યક્ષપદ દર્શાવે છે કે આ ફોરમ કેવી રીતે મહત્વપૂર્ણ પરિણામ આપી શકે છે. બીજીબાજુ મોદી-બાઈડેને જી-૨૦ પ્રત્યે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ સમિટ તેના ઉદ્દેશ્યોમાં સફળ થશે.
મોદી-બાઈડેન બંનેએ કહ્યું કે, તેમની સરકારો ઈન્ડો-યુએસ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ પર કામ કરતી રહેશે. સાથે જ બંનેએ સ્વતંત્ર, મુક્ત, સમાવેશી અને ફ્લેક્સિબલ ઈન્ડો-પેસિફિકનું સમર્થન કરવામાં ક્વાડ સંગઠન પર ભાર મૂક્યો હતો.
બંને નેતાએ વિશ્વાસ વ્યક્ત ક્રયો કે અમે વૈશ્વિક સ્તરે સેમીકન્ડક્ટર સપ્લાય ચેઈન વિકસાવવા માટે સાથે મળીને કામ કરીશું. સાથે જ ભારત અને અમેરિકા સંરક્ષણ ક્ષેત્રમાં પણ ભાગીદાર વધારશે.
સંયુક્ત નિવેદનમાં બંને નેતાઓએ ભારતમાં જીઈ એફ-૪૧૪ જેટ એન્જિનના ઉત્પાદન માટે જીઈ એરોસ્પેસ અને હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ વચ્ચે વ્યાવસાયિક કરારો માટે શરૂ થયેલી વાટાઘાટો અને કોંગ્રેસનલ નોટિફિકેશન પ્રક્રિયા પૂરી થવાની બાબતને આવકારી હતી.
દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. શેખ હસીના અને પ્રવિન્દ જુગનાથ શુક્રવારે જી-૨૦ શિખર સંમેલનમાં ભાગ લેવા દિલ્હી આવ્યા છે. પીએમ મોદી ત્રણ દિવસમાં અંદાજે ૧૫ દ્વિપક્ષીય બેઠકો કરશે. પીએમ મોદીએ બાંગ્લાદેશ અને મોરેશિયના વડાપ્રધાનો સાથે બંને દેશો સાથેના સંબંધોને વધુ આગળ લઈ જવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.