વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જી-૭ પરિષદમાં ભાગ લેવા જાપાન ગયા છે. આ પરિષદમાં ભારતને ગેસ્ટ-નેશન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યાં હીરોશીમામાં વડાપ્રધાન મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળવાના છે. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી મોદી પહેલી જ વાર વ્યકિતગત રીતે ઝેલેન્સ્કીને મળશે. આ પૂર્વે ડિસેમ્બર ૨૦૨૨માં બંને વચ્ચે ફોન ઉપર વાત થઇ હતી. તે વાતચીત પછી ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, તેઓ પોતાની શાંતિ-ફોર્મ્યુલા આગળ ધપાવવા માટે ભારતના સહયોગની આશા રાખે છે.
તે સમયે તેઓએ જી-૨૦ સમિટમાં ભારતને મળેલા અધ્યક્ષ પદ માટે મોદીને શુભ કામનાઓ પાઠવી હતી. તે પૂર્વે ઓકટોબર ૨૦૨૨માં પણ બંને વચ્ચે ફોન ઉપર વાતચીત થઈ હતી. ત્યારે મોદીએ ઝેલેન્સ્કીને કહ્યું હતું કે, યુદ્ધ કોઇ પણ સમસ્યાનો ઉકેલ બની જ ન શકે.
ઝેલેન્સ્કી પણ ગુ્રપ-૭ શિખર પરિષદમાં ગેસ્ટ નેશન તરીકે ભાગ લેવા હીરોશિમા પહોંચ્યા છે. ત્યાં આજે દુનિયાના સાત સૌથી શક્તિશાળી લોકતંત્રના નેતાઓ, યુક્રેન ઉપર રશિયાએ કરેલા હુમલા પછી તેને દંડિત કરવા વિષે ચર્ચા શરૂ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે ઝેલેન્સ્કી પહેલી જ વાર પોતાના યુદ્ધગ્રસ્ત દેશથી આટલા દૂર ગયા છે. ત્યાં રશિયા ઉપર લગાડવામાં આવનારા નવા પ્રતિબંધો અંગે ચર્ચા થશે. યુક્રેનની રાષ્ટ્રીય સંરક્ષણ અને સલામતી પરિષદના સચિવ ઓલેકાત દામીબૉવૈ ટેલિવિઝન ઉપર પુષ્ટિ કરી હતી કે ઝેલેન્સ્કી તે શિખર પરિષદમાં ભાગ લેવાના છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-૭ શિખર પરિષદમાં ભાગ લેવા જાપાન ગયા છે. તેઓ છ દિવસના વિદેશ પ્રવાસે છે. તે છ દિવસમાં તેઓ જાપાન, પાપુઆ-ન્યૂગિની અને ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેવાના છે. તેઓનો પહેલો પડાવ જાપાનમાં હીરોશીમામાં છે. જયાં જી-૭ની ૪૯મી શિખર પરિષદમાં તેઓ ભાગ લેશે. તેમાં ભારતને ગેસ્ટ નેશન તરીકે આમંત્રણ છે. તેઓ તે પરિષદની ત્રણે સેશનમાં ભાગ લેશે. તેઓ જાપાનમાં તેના વડાપ્રધાન ફુમીયો કીશીદા સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે.
ઉલ્લેખનીય છે કે ૬૬ વર્ષ પછી કોઈપણ ભારતીય વડાપ્રધાને હીરોશીમાની મુલાકાત લીધી છે. વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ ૧૯૫૭માં હીરોશીમા ગયા હતા.