વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે મંગળવારે અમેરિકા અને ઈજિપ્તના પ્રવાસે જશે તેમ વિદેશ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીના અમેરિકાના પ્રવાસ અંગે અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે પીએમ મોદીનો આ પ્રવાસ ભારત-અમેરિકાના સંબંધોને આકાશની ઉંચાઈઓ પર લઈ જવા માટે સ્પ્રિંગબોર્ડની જેમ કામ કરશે. આ પ્રવાસમાં પીએમ મોદી અમેરિકન સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરશે. આ સાથે મોદી અમેરિકન સંસદને બે વખત સંબોધન કરનારા પહેલા વડાપ્રધાન બની જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે મંગળવારે અમેરિકા અને ઈજિપ્તના પ્રવાસે જશે તેમ વિદેશ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું. વડાપ્રધાનનો અમેરિકાનો પ્રવાસ ન્યૂયોર્કમાં શરૂ થશે, જ્યાં વડાપ્રધાન સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઊજવણી કરશે. વડાપ્રધાન મોદી એ જ દિવસે વોશિંગ્ટન ડીસી રવાના થશે અને બ્લેર હાઉસમાં રોકાશે. બ્લેર હાઉસ અમેરિકન પ્રમુખના આમંત્રિત લોકોને મળવા માટે દેશનું ગેસ્ટ હાઉસ છે. તેને દુનિયાની સૌથી શ્રેષ્ઠ હોટેલ પણ કહેવાય છે. આ જ દિવસે પીએમ મોદી બાઈડેન પરિવાર દ્વારા આયોજિત ડિનરમાં જોડાશે. આ સમયે બંને નેતા વ્હાઈટ હાઉસમાં થોડોક સમય હળવાશની પળો માણે તેવી સંભાવના છે.
અમેરિકાના ‘સત્તાવાર’ પ્રવાસના બીજા દિવસે વ્હાઈટ હાઉસમાં પીએમ મોદીનું ઔપચારિક સ્વાગત થશે. ત્યાર પછી બાઈડેન અને મોદી વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થશે. બપોરે વડાપ્રધાન મોદી અમેરિકન સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરશે. પીએમ મોદી અમેરિકન સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરનારા એકમાત્ર ભારતીય નેતા બનશે. સાંજે વડાપ્રધાન સ્ટેટ ડિનર માટે વ્હાઈટ હાઉસ આવશે તથા ભારતીય-અમેરિકન સમુદાયનું પ્રતિનિધિત્વ કરનારા ૨૫૦ મહેમાનો સાથે ડિનર કરશે.
વડાપ્રધાન મોદી અમેરિકન પ્રવાસના ત્રીજા દિવસે અમેરિકન ઉપપ્રમુખ કમલા હેરિસ અને વિદેશ મંત્રી એન્ટની બ્લિંક તરફથી આયોજિત લંચ માટે અમેરિકન વિદેશ મંત્રાલય જશે. માત્ર ભારતીય મૂળના અમેરિકનો જ નહીં અમેરિકન અધિકારીઓ પણ પીએમ મોદીનો આ પ્રવાસ સફળ બનાવવા અથાગ મહેનત કરી રહ્યા છે અને તેમનામાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રવાસમાં ભારત અને અમેરિકા કેટલાક મહત્વપૂર્ણ કરારો કરે તેવી સંભાવના છે. આ પ્રવાસમાં વડાપ્રધાન મોદી કેટલાક અગ્રણી સીઈઓ, વ્યાવસાયિકો અને અન્ય હિસ્સેદારો સાથે પણ મુલાકાત-વાટાઘાટો કરે તેવી સંભાવના છે.
વડાપ્રધાન મોદી બે રાષ્ટ્રોના પ્રવાસના બીજા તબક્કામાં ૨૪ અને ૨૫ જૂને ઈજિપ્તની મુલાકાત લેશે. ઈજિપ્તના પ્રમુખ અબ્દેલ ફતહ અલ-સિસના આમંત્રણથી મોદી ત્યાં જઈ રહ્યા છે. વડાપ્રધાન તરીકે મોદીનો આ પહેલો ઈજિપ્ત પ્રવાસ છે.