એનસીપી (NCP) નેતા અને લક્ષદ્વીપ (Lakshadweep) ના સાંસદ મોહમ્મદ ફૈઝલ (Mohammad Faizal) ને મોટો આંચકો લાગ્યો છે. તેમને બીજી વખત સાંસદ પદેથી અયોગ્ય જાહેર કરી દેવાતા તેમનું લોકસભા સભ્યપદ રદ થઈ ગયું છે. કેરળ હાઈકોર્ટે હત્યાના પ્રયાસ મામલે સાંસદ મોહમ્મદ ફૈઝલની સજાને સસ્પેન્ડ કરવાની માગ કરતી અરજી ફગાવી દીધી હતી. જેના પછી લોકસભા સચિવાયલે નોટિફિકેશન (Lok Sabha Secretariat) જાહેર કરી તેમનું સભ્યપદ ફરી રદ કરી દીધું.
ઉલ્લેખનીય છે કે તેમનું સભ્યપદ અગાઉ પણ રદ કરાયું હતું. મોહમ્મદ ફૈઝલને અગાઉ 25 જાન્યુઆરીએ અયોગ્ય જાહેર કરાયા હતા. કાવારત્તીની એક સેશન કોર્ટે ફૈઝલ અને ત્રણ અન્ય વ્યક્તિઓને પી સલીહ નામના વ્યક્તિની હત્યાના પ્રયાસમાં દોષિત ઠેરવ્યા હતા. જોકે કેરળ હાઈકોર્ટ દ્વારા દોષસિદ્ધી અને સજા પર રોક લગાવ્યાં બાદ 29 માર્ચે ફૈઝલનું સભ્યપદ બહાલ કરાયું હતું. તેના પછી ઓગસ્ટ 2023માં કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ દ્વારા દાખલ એક અપીલ પર સુપ્રીમકોર્ટે કેરળ હાઈકોર્ટના આદેશને રદ કરી દીધો હતો.
લોકસભા સચિવાલયે નોટિફિકેશન જાહેર કરી
લોકસભા સચિવાલય તરફથી જારી કરાયેલા એક બુલેટિન અનુસાર કેરળ હાઈકોર્ટના 3 ઓક્ટોબર 2023ના આદેશને ધ્યાનમાં રાખી કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપના લક્ષદ્વીપ સંસદીય ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરનારા લોકસભા સભ્ય મોહમ્મદ ફૈઝલ પી.પી.ને તેમની સજાની તારીખ એટલે કે 11 જાન્યુઆરી, 2023ના લોકસભા સભ્યપદથી અયોગ્ય જાહેર કરાયા.