મોરચંદ શાળાના શતાબ્દી પર્વની ઉજવણી ભવ્યાતિ ભવ્ય રીતે ભાવનગર યુવરાજ જયવિરરાજસિંહજી ગોહિલ અને જયદિપભાઈ મહેતા તેમજ તેમના પરિવારજનોની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો .
કાર્યક્રમ અંતર્ગત સાંજે ભાવનગર યુવરાજ જયવિરરાજસિંહ ગોહિલ અને જયદિપભાઈ મહેતા તેમજ તેમના પરિવારના સભ્યોનું ચામુંડા માતાના મંદિરથી ખીચોખીચ ગામલોકોથી ભરેલી શેરીઓમાં ઢોલ, શરણાઈ સાથે સામૈયું કરી મોરચંદ કન્યા શાળા સુધી લાવવામાં આવ્યા હતા. મોરચંદ કન્યા શાળામાં પધારેલ સર્વે મહેમાનઓનું રજવાડી રીવાજ મુજબ પાઘડી અને તલવાર આપી સ્વાગત કરવામાં આવ્યુ હતું .
મોરચંદ ગામની બધીજ શાળાના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ બાદ કોમેડી કિંગ ધારશી બેલડિયાનો હાસ્ય દરબાર યોજાયો હતો. DJ ના સથવારે પધારેલ મહેમાનો તથા બાળકો, શિક્ષકો મન માણીને ગરબે ઘૂમ્યા હતા ગરબાની રંગત સાથે આકાશમાં રંગબેરંગી ફટાકડાની રંગોલી સમાન ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી .
કાર્યક્રમની સાથે સાથે શાળાના દરેક ધોરણમાં પ્રથમ આવનાર બાળકને મહેતા પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ શાળાના કાયમી દાતા ઘનશ્યામસિંહ અમરસિંહ ગોહિલ તેમજ અમરસિંહ રણજુભા ગોહિલને શાળા પરિવાર દ્વારા મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમગ્ર શતાબ્દી કાર્યક્રમને સફળ બનાવવા ગામના સરપંચશ્રી, કન્યા શાળાના આચાર્ય ઉમેશભાઈ ભટ્ટ, SMC અધ્યક્ષ અર્જુનસિંહ ગોહિલ, SMC અધ્યક્ષ હરદેવસિંહ ગોહિલ, મોરચંદ કેન્દ્રવર્તી અને મોરચંદ કન્યા શાળાના શિક્ષકો, ગામના વડીલો, યુવાનો, માતાઓ, બહેનોએ બહોળી સંખ્યામાં હાજર રહીને દીપવ્યો હતો .