વડાપ્રધાન મોદીની સોશ્યલ મીડીયા પર દિવસે દિવસે લોકપ્રિયતા વધતી જાય છે. સોશ્યલ મીડીયા પર સક્રિય તેવા દુનિયાના નેતાઓ પૈકી મોદી એક છે. તાજેતરમાં જ વોટ્સ-એપ દ્વારા લોંચ કરાયેલી વોટ્સ-એપ-ચેનલ ઉપર તે નવા ફીચરમાં પહેલે જ દિવસે ૧૦ લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ મેળવી વડાપ્રધાને એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
મેટાએ તાજેતરમાં જ વોટ્સ-એપ-ચેનલ્સ નામનું નવું ફીચર શરૂ કર્યું છે. તેની મદદથી પોતાની વોટ્સ-એપ-ચેનલ બનાવી શકાય છે. તે પછી સામાન્ય યૂઝર પોતાની ચેનલ સાથે જોડાઈ શકે છે. આ અંશત: ટેલીગ્રામ સમાન છે. જો કે તે ચેનલમાં કેવલ એડમિન જ મેસેજ કરી શકશે. નોર્મલ યુઝર તો માત્ર તે મેસેજ ઉપર માત્ર રીએક્ટ કરી શકશે. જો કે હજી સુધી તે ફીચર સામાન્ય યૂઝર્સ માટે પુરેપુરું રોલ આઉટ નથી કરી શકાયું.
૧૯મી સપ્ટેમ્બરે વોટ્સ-એપ-ચેનલ ઉપર વડાપ્રધાને પહેલી એન્ટ્રી કરી હતી. અને આજ સુધીમાં પી.એમ. મોદીના ૧૪ લાખ સબસ્ક્રાઈબર્સ પૂરા થઈ ગયા છે. મોદીએ પોતાની ચેનલ ઉપર સૌથી પહેલા નવા સંસદ ભવનની તસ્વીર શેર કરી હતી. તેઓએ લખ્યું હતું કે, વોટ્સ-એપ- કોમ્યુનિટી સાથે જોડાઈ હું ઉત્સાહિત થયો છું. લોકો સાથે જોડાવા માટે આ પહેલું પગલું છે. તે દ્વારા અહીં જોડાયો છું. આ નવા સંસદ ભવનમાંથી લીધેલી તસવીર છે.
મોદી દરેક સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર પોપ્યુલર છે. પ્લેટફોર્મ X ઉપર મોદીના ૯ કરોડથી વધુ ફોલોઅર્સ છે. ફેસબુક પર આશરે પાંચ કરોડ લોકો તેઓને ફોલો કરે છે. ઇન્સ્ટાગ્રામ ઉપર તેઓના ૭ કરોડથી પણ વધુ ફોલોઅર્સ છે. તે ઉપરાંત યુટયુબ ઉપર આશરે ૧૮ લાખથી વધુ ફોલોઅર્સ છે.