દેશમાં અને દુનિયામાં અવારનવાર સાયબર એટેક થયા હોવાનું સામે આવતું રહે છે. જ્યારે હવે ISRO પણ આ હુમલાથી બાકાત રહ્યું નથી. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) પણ સાયબર એટેકનો સામનો કરે છે. દરરોજ 100થી વધુ સાયબર હુમલાઓ થતાં હોવાનું ISRO ચીફ એસ સોમનાથે જણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે રોકેટ ટેકનોલોજીમાં સાયબર એટેકની સંભાવના વધુ જોવા મળે છે. જે અત્યાધુનિક સોફ્ટવેર અને ચિપના ઉપયોગથી કરવામાં આવે છે. તેમણે કહ્યું કે ISRO આવા સાયબર એટેકનો સામનો કરવા માટે એક મજબૂત સાયબર સુરક્ષા નેટવર્કથી લેસ છે.
કેરળના કોચીમાં શનિવારે (7 ઓક્ટોબરે) બે દિવસીય આંતરરાષ્ટ્રીય સાયબર સંમેલનના 16માં સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનનું આયોજન કેરળ પોલીસ અને માહિતી સુરક્ષા સંશોધન સંઘ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ISRO ચીફ એસ સોમનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમણે ISRO પર દરરોજના 100થી વધુ સાયબર એટેક થતાં હોવાનું જણાવ્યું હતું. સંમેલનના સમાપન સત્રમાં વક્તવ્ય આપતા ISRO ચીફ એસ સોમનાથે જણાવ્યું હતું કે રોકેટ ટેકનોલોજીમાં હુમલો થવાની સંભાવના વધુ છે, સાયબર એટેક અત્યાધુનિક સોફ્ટવેર અને ચિપ્સની મદદ વડે કરવામાં આવે છે.
ISRO fights over 100 cyber-attacks every day: S Somanath
Read @ANI Story | https://t.co/AxrS6IDxyu#Somanath #ISRO pic.twitter.com/iG1B4KTWcH
— ANI Digital (@ani_digital) October 7, 2023
ISRO મજબૂત સાયબર સુરક્ષા નેટવર્કથી સજ્જ
ISRO ચીફે જણાવ્યું કે સંગઠન આવા હુમલાનો સામનો કરવા માટે મજબૂત સાયબર સુરક્ષા નેટવર્કથી લેસ છે. તેમણે ઉમેર્યું કે સોફ્ટવેર સિવાય ISRO રોકેટની અંદર હાર્ડવેર ચિપ્સની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરીને વિવિધ પરીક્ષણ પર સતત આગળ વધે છે. તેમણે વધુમાં કહ્યું કે પહેલાં એક ઉપગ્રહનું નિરીક્ષણ એક જ સમય પર થતું હતું, પરંતુ હવે એક જ સમયમાં ઘણા બધા ઉપગ્રહોનું નિરીક્ષણ કરી શકાય છે. જે દર્શાવે છે કે આ ક્ષેત્રમાં વૃદ્ધિ થઈ છે.
‘અદ્યતન ટેકનોલોજી વરદાન પણ અને ખતરો પણ’
ISRO ચીફ એસ સોમનાથે આગળ જણાવતા કહ્યું કે એવા સેટેલાઈટ પણ છે જે સામાન્ય લોકોના રોજિંદા જીવનમાં મદદ કરે છે, તે પણ સાયબર એટેકનો ભોગ બને છે. આ તમામ વિવિધ પ્રકારના સોફ્ટવેર દ્વારા નિયંત્રિત થાય છે. તેની સુરક્ષા માટે સાયબર સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત તેમણે એ પણ કહ્યું કે, “અદ્યતન ટેકનોલોજી એક વરદાન પણ છે અને ખતરો પણ. આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવી ટેકનોલોજીની મદદથી સાયબર ક્રાઈમ સામેના પડકારોનો સામનો કરી શકીએ છીએ.”