રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ની ભલામણોને અનુરૂપ ગુજરાત સરકારે શૈક્ષણિક વર્ષ 2026-27થી ‘ગુજરાત સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન ફ્રેમવર્ક’ એટલે કે G-SQAAF 2026નો અમલ શરૂ કર્યો છે. રાજ્યની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા, પારદર્શિતા અને જવાબદેહિતા વધારવાના ઉદ્દેશ સાથે શરૂ કરાયેલી આ પહેલ અંતર્ગત 50 હજારથી વધુ શાળાઓએ પોતાનું સ્વ-મૂલ્યાંકન પૂર્ણ કર્યું હોવાનું જણાવાયું છે.
G-SQAAF 2026 અંતર્ગત માત્ર વિદ્યાર્થીઓના શૈક્ષણિક પરિણામોને જ નહીં, પરંતુ શાળાના સમગ્ર કાર્યતંત્રને આવરી લેતી બહુઆયામી મૂલ્યાંકન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ ફ્રેમવર્કનો મુખ્ય હેતુ રાજ્યની શાળાઓની ગુણવત્તા ચકાસવી, સુધારાની જરૂરિયાત ધરાવતા ક્ષેત્રોની ઓળખ કરવી અને સમગ્ર શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો છે.
G-SQAAF 2026 અંતર્ગત મૂલ્યાંકનના ત્રણ મુખ્ય તબક્કા
G-SQAAF હેઠળ શાળાઓના મૂલ્યાંકન માટે ત્રણ તબક્કાની પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં શાળાઓ દ્વારા Self-Evaluation એટલે કે સ્વ-મૂલ્યાંકન કરવામાં આવે છે. આ તબક્કામાં શાળા પોતાનાં શૈક્ષણિક, વહીવટી અને માળખાકીય માપદંડોની સમીક્ષા કરે છે.
બીજા તબક્કામાં નિષ્ણાત વેરિફાયર્સ દ્વારા External Evaluation એટલે કે બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવશે. આ પ્રક્રિયા દ્વારા શાળાઓ દ્વારા કરવામાં આવેલા સ્વ-મૂલ્યાંકનની સ્વતંત્ર રીતે ચકાસણી કરવામાં આવશે.
ત્રીજા તબક્કામાં G-SQAAF 2026ના અંતિમ પરિણામોનું Public Disclosure કરવામાં આવશે. એટલે કે શાળાના મૂલ્યાંકન સાથે જોડાયેલી અંતિમ વિગતો SQAAF પોર્ટલ પર જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
50 હજારથી વધુ શાળાઓએ પૂર્ણ કર્યું સ્વ-મૂલ્યાંકન
નિર્ધારિત સમયમર્યાદા 17 ઓગસ્ટ 2026થી 8 સપ્ટેમ્બર 2026 દરમિયાન રાજ્યની 50 હજારથી વધુ શાળાઓએ સ્વ-મૂલ્યાંકનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ મોટા પાયે થયેલી ભાગીદારીને રાજ્યના શૈક્ષણિક ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
આ પ્રક્રિયામાં સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓનો સમાવેશ થાય છે. ગુજરાત બોર્ડ ઉપરાંત CBSE તથા અન્ય બોર્ડ સાથે સંલગ્ન શાળાઓ પણ આ મૂલ્યાંકન પ્રક્રિયામાં જોડાઈ હોવાનું જણાવાયું છે.
સ્વ-મૂલ્યાંકનમાં ભાગ ન લેનારી શાળાઓનું સીધું બાહ્ય મૂલ્યાંકન
G-SQAAF 2026 હેઠળ જે શાળાઓએ Self-Evaluationની પ્રક્રિયામાં ભાગ લીધો નથી, તેવી શાળાઓનું નિષ્ણાત વેરિફાયર્સ દ્વારા સીધું External Evaluation કરવામાં આવશે.
આ વ્યવસ્થાનો હેતુ રાજ્યની તમામ શાળાઓને ગુણવત્તા મૂલ્યાંકનની પ્રક્રિયામાં આવરી લેવાનો છે, જેથી કોઈપણ શાળા નિર્ધારિત ગુણવત્તા માપદંડોથી બહાર ન રહી જાય.
શિક્ષણથી લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી 360 ડિગ્રી મૂલ્યાંકન
G-SQAAF ફ્રેમવર્ક હેઠળ શાળાઓનું મૂલ્યાંકન માત્ર પરીક્ષાના પરિણામોના આધારે કરવામાં આવતું નથી. તેમાં શાળાના વહીવટ, અભ્યાસક્રમ અમલીકરણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સર્વગ્રાહી મૂલ્યાંકન, સર્વસમાવેશક શિક્ષણ પદ્ધતિઓ અને નેતૃત્વ જેવા અનેક મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ રીતે દરેક શાળાની 360 ડિગ્રી ગુણવત્તા ચકાસવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મૂલ્યાંકનના આધારે શાળાની મજબૂત બાબતો અને સુધારાની જરૂરિયાત ધરાવતા ક્ષેત્રોની ઓળખ કરવામાં આવશે.
મહત્તમ 33 ટકા શાળાઓમાં થશે બાહ્ય મૂલ્યાંકન
આગામી તબક્કામાં રાજ્યની મહત્તમ 33 ટકા શાળાઓમાં નિષ્ણાત વેરિફાયર્સ દ્વારા બાહ્ય મૂલ્યાંકન હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ G-SQAAFના અંતિમ પરિણામો SQAAF પોર્ટલ પર જાહેર કરવામાં આવશે.
આ જાહેર પરિણામો દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને અન્ય હિતધારકોને શાળાની ગુણવત્તા અંગે વધુ પારદર્શક માહિતી મળી શકશે.
NEP 2020ના અમલમાં ગુજરાતનું મહત્વપૂર્ણ પગલું
રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે, G-SQAAF 2026ની પહેલ NEP 2020ની ભલામણોને જમીનસ્તરે અમલી બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. આ ફ્રેમવર્ક દ્વારા શાળાઓમાં જવાબદેહિતા, પારદર્શિતા અને સ્વાયતતા વધારવાની સાથે ગુણવત્તા સુધારણાની સતત પ્રક્રિયા વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
G-SQAAF 2026નો અસરકારક અમલ રાજ્યની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા અને ભવિષ્યમાં વિદ્યાર્થીઓને વધુ સક્ષમ અને ગુણવત્તાસભર શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel