મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનમાં મુસાફરોની સુરક્ષા માટે જાપાનની શિંકાનસેન હાઈસ્પીડ રેલ ટેક્નોલોજી પર આધારિત અત્યાધુનિક Early Earthquake Detection System લગાવવામાં આવશે. લગભગ 508 કિલોમીટર લાંબા મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર પર કુલ 28 સિસ્મોમીટર સ્થાપિત કરવામાં આવશે. ભૂકંપના પ્રારંભિક સંકેતો મળતાં જ આ સિસ્ટમ વીજ પુરવઠો બંધ કરીને અસરગ્રસ્ત વિસ્તારમાં દોડી રહેલી બુલેટ ટ્રેનને ઇમરજન્સી બ્રેકિંગ દ્વારા સુરક્ષિત રીતે રોકવામાં મદદ કરશે.
ભૂકંપની ‘P-Wave’ને ઝડપથી ઓળખશે સિસ્ટમ
ભૂકંપ આવે ત્યારે અલગ-અલગ પ્રકારના સિસ્મિક તરંગો પેદા થાય છે. બુલેટ ટ્રેન માટે તૈયાર કરવામાં આવેલી અર્લી અર્થક્વેક ડિટેક્શન સિસ્ટમ ભૂકંપના પ્રાથમિક એટલે કે P-Wavesને ઓળખશે. આ તરંગો વધુ વિનાશક કંપન પહેલાં પહોંચતા હોવાથી સિસ્ટમને સુરક્ષા પ્રક્રિયા શરૂ કરવા માટે મહત્વપૂર્ણ સમય મળી શકે છે.
આ ટેક્નોલોજી ભૂકંપની આગાહી કરતી નથી, પરંતુ ભૂકંપ શરૂ થયા બાદ તેના પ્રારંભિક તરંગોને ઝડપથી ઓળખીને ટ્રેન ઓપરેશન માટે જરૂરી સુરક્ષા પગલાં સક્રિય કરે છે. આ વ્યવસ્થા જાપાનની વિશ્વપ્રસિદ્ધ શિંકાનસેન ટેક્નોલોજી પર આધારિત છે.
ભૂકંપનો સંકેત મળતાં વીજ પુરવઠો આપોઆપ બંધ થશે
સિસ્મોમીટર દ્વારા ભૂકંપના સંકેતો મળ્યા બાદ Early Earthquake Detection System સક્રિય થશે અને અસરગ્રસ્ત રેલવે સેક્શનમાં ટ્રેક્શન પાવર આપોઆપ બંધ કરવામાં આવશે.
વીજ પુરવઠો બંધ થયાનો સંકેત મળતાં ટ્રેનની ઇમરજન્સી બ્રેકિંગ સિસ્ટમ સક્રિય થશે અને અસરગ્રસ્ત વિસ્તારમાં દોડી રહેલી ટ્રેનને રોકવામાં આવશે. મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર પર ટ્રેનોની નિર્ધારિત ઓપરેશનલ સ્પીડ 320 કિમી પ્રતિ કલાક સુધીની છે. આથી ભૂકંપ દરમિયાન ઝડપથી પ્રતિસાદ આપતી સુરક્ષા વ્યવસ્થા અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે.
28માંથી 22 સિસ્મોમીટર સીધા કોરિડોર પર લાગશે
કુલ 28 સિસ્મોમીટરમાંથી 22 સિસ્મોમીટર હાઈસ્પીડ રેલ કોરિડોરના એલાઇનમેન્ટ પર સ્થાપિત કરવામાં આવશે. આ ઉપકરણો ટ્રેક્શન સબ-સ્ટેશન્સ અને સ્વિચિંગ પોસ્ટ્સ ખાતે લગાવવામાં આવશે.
કોરિડોર પર મહારાષ્ટ્રમાં મુંબઈ, થાણે, વિરાર અને બોઈસર વિસ્તારમાં કુલ 8 સિસ્મોમીટર લગાવવામાં આવશે. જ્યારે ગુજરાતમાં વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, મહેમદાબાદ અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં કુલ 14 સિસ્મોમીટર સ્થાપિત કરવામાં આવશે.
ભૂકંપ સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના 6 સિસ્મોમીટર
બાકીના 6 સિસ્મોમીટર કોરિડોરથી દૂર ભૂકંપ સંવેદનશીલ વિસ્તારોમાં લગાવવામાં આવશે. તેમાં મહારાષ્ટ્રના ખેડ, રત્નાગિરી, લાતુર અને પાંગરી તેમજ ગુજરાતના અડેસર અને ઓલ્ડ ભુજનો સમાવેશ થાય છે.
આ સ્થળોની પસંદગી ઐતિહાસિક ભૂકંપના ડેટા, સિસ્મિક સર્વે અને જમીનની યોગ્યતા જાણવા માટે કરવામાં આવેલા માઇક્રોટ્રેમર ટેસ્ટના આધારે કરવામાં આવી છે.
માત્ર ભૂકંપ નહીં, ભારે પવન અને વરસાદ પર પણ નજર
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કુદરતી આપત્તિઓ સામે સુરક્ષા માટે અન્ય આધુનિક સિસ્ટમ પણ સામેલ કરવામાં આવી રહી છે. કોરિડોર પર ભારે પવનની સ્થિતિ પર નજર રાખવા માટે 14 સ્થળે એનિમોમીટર લગાવવાની યોજના છે, જેમાં ગુજરાતમાં 9 અને મહારાષ્ટ્રમાં 5 સ્થળનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ભારે વરસાદ અને તેના કારણે ઢોળાવ તથા અન્ય માળખાં પર થતી અસરનું નિરીક્ષણ કરવા માટે 6 Instrumented Rain Gauge Stationsની પણ યોજના છે. આ સુરક્ષા વ્યવસ્થાઓનું મોનિટરિંગ ઓપરેશન કંટ્રોલ સેન્ટર દ્વારા કરવામાં આવશે.
મુસાફરોની સુરક્ષામાં જાપાની ટેક્નોલોજીની મહત્વની ભૂમિકા
મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ ભારતનો પ્રથમ ડેડિકેટેડ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ છે. ભૂકંપ જેવી કુદરતી આપત્તિ દરમિયાન 320 કિમી પ્રતિ કલાક સુધીની ઝડપે દોડતી ટ્રેનને સુરક્ષિત રીતે રોકવાની વ્યવસ્થા મુસાફરોની સલામતી માટે મહત્વપૂર્ણ બની રહેશે.
જાપાનના શિંકાનસેન નેટવર્કના અનુભવ પર આધારિત Early Earthquake Detection System ભારતના હાઈસ્પીડ રેલ નેટવર્કમાં અદ્યતન સુરક્ષા ટેક્નોલોજી ઉમેરશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel