ભારતીય રેલવેમાં દરરોજ કરોડો લોકો મુસાફરી કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રેલવેએ ઘણી પ્રગતિ કરી છે. ભારતમાં વંદે ભારત, ગતિમાન એક્સપ્રેસ, તેજસ અને નમો જેવી હાઇ સ્પીડ ટ્રેનો પણ છે. ત્યારે આજે અમેત તમને આ બધી ટ્રેનો વચ્ચે શું તફાવત છે, તેના વિશે જણાવીશું.
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભારતની સૌથી ઝડપી દોડતી ટ્રેનોમાંની એક છે. જો કે તે ભારતમાં સૌથી ઝડપી દોડનારી ટ્રેન નથી. આ ટ્રેન 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. તેની મહત્તમ સ્પીડ 180 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે. વંદે ભારત ટ્રેનમાં જનરલ કોચ હોતા નથી. તેમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ હોય છે.
ગતિમાન એક્સપ્રેસ એ ભારતની સૌથી ઝડપી ટ્રેન છે. તે 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. આ ટ્રેનમાં મુસાફરો માટે હોટસ્પોટની સુવિધા પણ છે. તે દિલ્હી અને ઝાંસી વચ્ચે દોડે છે. તેનું એસી ચેર કારનું ભાડું 1125 રૂપિયા છે જ્યારે એક્ઝિક્યુટિવ એસી ચેર કારનું ભાડું 2280 રૂપિયા છે.
તેજસ ટ્રેનની ગણતરી ભારતની લક્ઝરી ટ્રેનોમાં થાય છે. આ ટ્રેનમાં નાસ્તો, ભોજન અને પાણી મફત મળે છે. આ સાથે ટ્રેન હોસ્ટેસ પણ હોય છે, જે એરોપ્લેન જેવી સેવાઓ પૂરી પાડે છે. આ ટ્રેનમાં તમે કોલ બટન દ્વારા એટેન્ડન્ટને કોલ કરી શકો છો.
તેજસ ટ્રેનના કોચમાં ઓટોમેટિક દરવાજા છે. એટલે કે ઈન્ટિરિયરની દૃષ્ટિએ આ ટ્રેન વંદે ભારત, ગતિમાન, તેજસ અને અન્ય તમામ ટ્રેનો કરતાં ઘણી સારી છે. તેજસ ટ્રેનમાં કોચ થર્ડ એસી, સેકન્ડ એસી અને ફર્સ્ટ એસી છે. તેજસ ટ્રેન 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે, જોકે તેની સ્પીડ 160 કિલોમીટર સુધી વધારી શકાય છે.
નમો ટ્રેન ભારતની પ્રથમ ઝડપી રીઝનલ ટ્રેન છે. તે દિલ્હીથી મેરઠ રીઝનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ હેઠળ ચાલે છે. આમાં દિલ્હી, ગાઝિયાબાદ અને મેરઠ જેવા NCR શહેરોને જોડવામાં આવશે. આ સમગ્ર રૂટનું અંતર અંદાજે 83 કિલોમીટર હશે. તેની સ્પીડ 160 કિલોમીટર પ્રતિ કલાક છે. આ હાઈ-સ્પીડ RRTS ટ્રેન ગયા વર્ષે ઓક્ટોબરમાં શરૂ કરવામાં આવી હતી. આ ટ્રેનના હાઇટેક કોચમાં ડિજિટલ સ્ક્રીન પણ છે.