અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)નું પાર્કર સોલાર પ્રોબ (અવકાશયાન) સૂર્યથી સૌથી નજીકના અંતરે પહોંચી ગયું છે.સાથોસાથ સૂર્ય તરફના પ્રવાસ દરમિયાન સૌથી તેજ ગતિએ પ્રવાસ કરવાનો અનોખો રેકોર્ડ પણ કર્યો છે.
નાસાનાં સૂત્રોના કહેવા મુજબ પાર્કર સોલાર પ્રોબ હાલ સૂર્યથી ફક્ત ૭૨.૬ લાખ કિલોમીટરના અંતરે રહીને પ્રવાસ કરી રહ્યું છે.અંતરીક્ષ સંશોધનના ઇતિહાસમાં વિશ્વના કોઇ જ દેશનું અવકાશયાન હજી સુધી સૂર્યની સપાટીથી આટલા નજીકના અંતરે પહોંચી શક્યું નથી.
આટલુું જ નહીં,પાર્કર સોલાર અવકાશયાને તેના સૂર્ય તરફના પ્રવાસ દરમિયાન એટલે કે સૂર્ય ફરતેની ૧૭મી પ્રદક્ષિણા દરમિયાન ૩,૯૪,૭૩૬ કિલોમીટર (પ્રતિ કલાક)ની અતિ અતિ પ્રચંડ ગતિનો પણ રેકોર્ડ સર્જ્યો છે. અત્યારસુધીમાં વિશ્વના કોઇ દેશના અવકાશયાને કે સેટેલાઇટે અંતરીક્ષમાં આટલી તેજ ગતિએ પ્રવાસ નથી કર્યો. અગાઉ ૨૦૨૧માં આ જ અવકાશયાને સૂર્યની પ્રદક્ષિણા દરમિયાન ૫,૮૬,૮૬૩.૪ લાખ કિલોમીટરની પ્રચંડ ગતિએ પ્રવાસ કર્યો હતો.
આમ પાર્કર સોલાર પ્રોબે પહેલી જ વખત ઉર્જાના અને પ્રકાશના ભંડારસમા આદિત્યનારાયણની સપાટીથી સૌથી નજીકના અંતરે જવાનો અને સૌથી તેજ ગતિએ પ્રવાસ કરવાનો એમ બે રેકોર્ડ કર્યા છે.
કોઇ જીવંત વિજ્ઞાાનીના ઉજળા સંશોધનના સન્માનરૂપે અવકાશયાનનું નામ તેની સાથે જોડવામાં આવ્યું હોય તેવું પાર્કર સોલાર પ્રોબ વિશ્વનું પહેલું અવકાશયાન છે. અમેરિકાના હ્યુજીન.એન.પાર્કર નામના મહાન ખગોળ-ભૌતિકશાસ્ત્રી (શિકાગો યુનિવર્સિટી)એ ૧૯૫૦માં સૌર પવનો(સોલાર વિન્ડ્ઝ) વિશે પહેલી જ વખત અદભૂત સંશોધન કરીને સમગ્ર વિશ્વને આશ્ચર્યનો આંચકો આપ્યો હતો.
પાર્કર સોલાર પ્રોબ ૨૦૧૮ની ૧૨,ઓગસ્ટે સૂર્યના કોરોના(સૂર્યની બાહ્ય કિનારીને કોરોના કહેવાય છે.)ના સંશોધનાત્મક અભ્યાસ માટે રવાના થયું છે. સૂર્યની સપાટીનું તાપમાન ૬,૦૦૦ ડિગ્રી કેલ્વિન છે, જ્યારે તેની બાહ્ય કિનારી-કોરોના- નું તાપમાન ૧૦થી ૨૦ લાખ ડિગ્રી કેલ્વીન જેટલું અતિ અતિ ઉકળતું હોય છે.વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓ આ રહસ્ય શોધવા સતત પ્રયાસ કરી રહ્યા છે. નાસાએ આ જ રહસ્યનો તાગ મેળવવા પાર્કર સોલાર અવકાશયાન સૂર્ય ભણી રવાના કર્યું છે જે ૨૦૨૫માં સૂર્યના કોરોનાની પ્રચંડ ઉકળતી ભઠ્ઠી જેવા વાતાવરણમાં પ્રવેશ કરશે.
નાસાનાં સૂત્રોએ એવી માહિતી પણ આપી છે કે પાર્કર સોલાર અવકાશયાન ૨૦૨૫માં સૂરજ ફરતે કુુલ ૨૪ વખત પ્રદક્ષિણા પૂરી કરશે. આ તબક્કે અવકાશયાન સૂર્યની સપાટીથી સૌથી નજીકના અંતરે પહોંચી જશે.સરળ રીતે સમજીએ તો અવકાશયાન તે તબક્કે સૂર્યના કોરોના હિસ્સાના વાતાવરણમાં પ્રવેશ કરશે. સરળ રીતે સમજીએ તો અવકાશયા ૨૦૨૫માં સૂર્યથી ફક્ત ૬૦ લાખ કિલોમીટરના સૌથી નજીકના અંતરે હશે.
પાર્કર સોલાર પ્રોબ તેની સૂર્ય ફરતેની પ્રદક્ષિણા કરવાનો માર્ગ શુક્ર ગ્રહ નજીકથી પસાર થાય છે. શુક્રના ગુરુત્વાકર્ષણ બળના ધક્કાની મદદથી અવકાશયાન સૌર મંડળના અંદરના વર્તુળમાં વધુ નજીક જઇ શકે છે.
નાસાના પાર્કર સોલાર પ્રોબની ઐતિહાસિક અને સોનેરી સફળતા વિશે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલી(અમેરિકા) ના ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર સ્ટુઅર્ટ .ડી.બેલે અને યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ-કોલેજ પાર્કના વિજ્ઞાાની જેમ્સ ડ્રેકે આંતરરાષ્ટ્રીય સ્તરના જર્નલ નેચરમાં ૨૦૨૩ની ૭, જૂને સંશોધનપણ પણ રજૂ કર્યું છે.
આ સંશોધનપત્રમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ છે કે નાસાના પાર્કર સોલાર પ્રોબે સૂર્યની સપાટી પરથી ફેંકાતા મહાવિનાશક સૌર પવનોનું ઉદ્ગમ કેન્દ્ર શોધી કાઢ્યું છે.
કોરોનલ હોલ્સમાંથી બહાર ફેંકાતા વિદ્યુતભારવાહી પદાર્થકણોનું રહસ્ય ખોળી કાઢ્યું છે. આ જ કોરોનલ હોલ્સમાંથી સૌર પવનો અફાટ અંતરીક્ષમાં ફૂંકાય છે.સૌર પવનોમાં પ્લાઝ્માનો પ્રવાહ સતત બહારની દિશામાં વહેતો હોય છે અને તેમાં ઇલેક્ટ્રોન તથા પ્રોટોનનાં વિદ્યુતભારવાહી પદાર્થકણો હોય છે.