નેશનલ કમિશન ફોર વુમનએ આંત્રપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સહયોગથી સંભાવિત મહિલા ઉદ્યોગ સાહસિકો માટે દેશભરમાં 100 ઉદ્યોગસાહસિકતા જાગૃકતા કાર્યક્રમ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. દેશભરમાં યોજાનારા 100માંથી પ્રથમ ઈએપીનું ઉદ્ઘાટન ઉજ્જૈનમાં મુખ્ય અતિથિ મધ્યપ્રદેશના માનનીય રાજ્યપાલ મંગુભાઈ પટેલે કર્યું હતું.
આ એક દિવસીય આંત્રપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા કાર્યક્રમનો ઉદ્દેશ્ય સહભાગી મહિલાઓને ઉદ્યોગસાહસિકતા એક કારકિર્દી તરીકે અપનાવવાના લાભો વિશે જાણકારી પ્રદાન કરવાનો, શ્રેષ્ઠ કૌશલ્યો શીખવાનો તથા સામાજિક, આર્થિક અને પારિવારિક અવરોધોને દૂર કરીને ઉદ્યોગસાહસિક બનવા પ્રોત્સાહિત કરવાનો છે. આંત્રપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા મહિલાઓ વચ્ચે ઉદ્યોગ સાહસિકતાના કૌશલ્યો વિકસિત કરવાનો હેતુ ધરાવે છે, જેથી તેઓ તેમના પોતાના વ્યવસાયની રચના કરવા માટે જરૂરી માહિતી, કૌશલ્યો અને પ્રેરણા મેળવી શકે.
EAP વિશે વાત કરતાં મધ્ય પ્રદેશના રાજ્યપાલ મંગુભાઇ પટેલે કહ્યું હતું કે, સબકા સાથ સબકા વિકાસના વિઝન સાથે દેશ આગળ વધી રહ્યો છે. મહિલાઓના નેતૃત્વમાં નોંધપાત્ર વિકાસ થઇ રહ્યો છે અને તેને માન્યતા પણ મળી રહી છે. સ્વ-સહાય જૂથો સાથે જોડાયેલી મહિલાઓ સારી પ્રગતિ સાધી રહી છે. તેઓ તેમની સફળતા, તેમના ઉદ્યોગો અને તેમની ભાવિ યોજનાઓ વિશે આત્મવિશ્વાસથી વાત કરી રહ્યાં છે.
દેશના પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ અમલમાં મૂકાયેલી વિવિધ પહેલો હેઠળ મહિલાઓએ જબરદસ્ત પ્રગતિ કરી છે. ઉદ્યોગ સ્થાપિત કરવા માટે મહિલાઓને સબસિડી મળી રહી છે, જેનાથી વિશેષ કરીને ગ્રામિણ ક્ષેત્રમાં પ્રગતિ થઈ છે. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ મહિલાઓના પ્રશિક્ષણ અને વિકાસના નવા અવસર પેદા થયા છે.
મહિલા ઉદ્યોગસાહસિકો માટે અનુકૂળ માહોલની જરૂરિયાત ઉપર ભાર મૂકતાં ડો. મુંજપારાએ કહ્યું હતું કે, અમે સાર્વજનિક અને ખાનગી ક્ષેત્રમાં મહિલા નેતૃત્વ અને સશક્તિકરણમાં ઝડપ લાવી ભારતના મહિલાઓના નેતૃત્વના વિકાસના એજન્ડાને આગળ ધપાવવાની દિશામાં કામ કરી રહ્યાં છીએ. મહિલાઓ આપણા સમાજની કરોડરજ્જૂ સમાન છે, આપણા ભવિષ્યને દિશા આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. તેમને સશક્ત બનાવવાની આપણી નૈતિક જવાબદારી હોવાની સાથે-સાથે સતત વિકાસ માટે એક આવશ્યકતા પણ છે. નેશનલ કમીશન ફોર વુમન અને આંત્રપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા વચ્ચેનો સહયોગ મહિલા ઉદ્યોગસાહસિકતાના ક્ષમતા નિર્માણમાં મદદ કરવાની સાથે-સાથે લોકોમાં જાગૃકતા પણ વધારશે.