દેશમાં 1 જુલાઈ, 2019થી જ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) અમલમાં આવ્યું હતું. હજુ એવા ઘણા કેસ સામે આવે છે જેમાં GSTના નામે ગ્રાહકોને નકલી બીલ આપવામાં આવે છે. એમાં પણ જો ગ્રાહકને ઈનપુટ ક્રેડીટ લેવી હોય તો ત્યારે સમસ્યા બની શકે છે. ત્યારે GST બીલ અસલી છે કે નકલી તેની ઓળખ કરવી ખુબ જ જરૂરી છે. નકલી GST બીલ દ્વારા ટેક્સના નામે ગ્રાહકો પાસેથી રકમ ઉઘરાવીને પોતાના ખિસ્સા ભરીને તેમને છેતરવામાં આવે છે.
GST ઇન્વોઇસ શું છે?
GST ઇન્વૉઇસ સપ્લાયર અથવા વેચણકર્તા દ્વારા માલ અને સેવાઓ લેનાર માટે તૈયાર કરવામાં આવે છે. GST ઇનવોઇસ એ એક બિલ છે, જે માલ અને સેવાઓની ખરીદીમાં સામેલ પક્ષકારોને ઓળખવામાં મદદ કરે છે. આમાં પ્રોડક્ટનું નામ, વર્ણન, ખરીદેલ માલ/ સેવાઓનો જથ્થો/ સપ્લાયર વિગતો, ખરીદીની તારીખ, ડિસ્કાઉન્ટ વગેરેનો સમાવેશ થાય છે.
ફેક GST ઇન્વોઇસ શું છે?
નકલી GST ઇન્વૉઇસેસને ઓળખવા માટે નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલ નોટિફિકેશન મુજબ, સામાન અથવા સેવાઓની સપ્લાય અથવા GSTની ચુકવણી વિના પણ નકલી GST બિલ જનરેટ થાય છે. નકલી GST બિલ GST ચોરી, આવકવેરા ક્રેડિટનું કેશ ટ્રાન્સફર, નકલી ખરીદીઓનું બુકિંગ અને મની લોન્ડરિંગ માટે જનરેટ કરવામાં આવે છે.
નકલી GST ઇન્વોઇસની ઓળખ કેવી રીતે કરવી?
નકલી GST ઇન્વોઇસની ઓળખ કરવાનો સૌથી સરળ રસ્તો સપ્લાયર/ ડીલર/ દુકાનદારને આપવામાં આવેલ 15 આંકડાનો GSTIN નંબર ને સમજવો જરૂરી છે. GSTINના પ્રથમ બે અંક રાજ્ય કોડ દર્શાવે છે. અન્ય 10 નંબર વેચાણકર્તા કે સપ્લાયરના પેન નંબર, 13મો અંક એ રાજ્યમાં સમાન PAN ધારકનો યુનિટ નંબર છે. GSTIN માં 14મો આંકડો Z અક્ષર છે અને 15મો અંક ‘ચેકસમ ડીજીટ’ છે. GSTIN ફોર્મેટમાં કંઇક ખૂટતું હોય તો GST ઇન્વૉઇસ નકલી છે કે કેમ તે ઓળખવામાં મદદ કરી શકે છે.
GSTની વેબસાઈટ પર પણ ચેક કરી શકાય છે
ફેક GST ઇન્વોઇસ ઓળખવા માટે તેની વેબસાઈટ પર ચેક કરી શકાય છે. GSTની ઓફીશીયલ વેબસાઈટ https://www.gst.gov.in/ પર જઈને GST ઇન્વોઇસ નંબર જોવા માટે ‘ટેક્સપેયર સર્ચ’ વિકલ્પ ક્લિક કરવાનો રહેશે. ત્યારબાદ ‘સર્ચ બાય GSTIN’ પર જઈને બધી ડીટેઇલ મેળવી શકાય છે.