વોટ્સએપે, તેના યુઝર્સની સમસ્યાને હલ કરવાનો રસ્તો હવે શોધી કાઢ્યો છે. અત્યાર સુધી યુઝર્સને વોટ્સએપના બે એકાઉન્ટ ચલાવવા માટે અલગ અલગ બે સ્માર્ટફોન રાખવાની જરૂર પડતી હતી. પરંતુ હવે ટૂંક સમયમાં એક નવું ફીચર આવી રહ્યું છે. જે તમારી બે ફોન રાખીને વોટ્સએપના બે એકાઉન્ટ ચલાવવાની સમસ્યાનો ઉકેલ લાવી દેશે. વોટ્સએપના યુઝર્સ માટે આવનારા નવા WhatsApp ફીચરની મદદથી તમે એક જ ડિવાઇસ પર વોટ્સએપના બે એકાઉન્ટ ચલાવી શકશો.
Meta CEO માર્ક ઝકરબર્ગે, થોડાક સમય પહેલા ફેસબુક પર એક પોસ્ટ દ્વારા આ નવા ફીચર વિશે માહિતી આપી હતી. આ નવી સુવિધાના આગમન સાથે, તમારે વોટ્સએપના બે એકાઉન્ટ ચલાવવા માટે બે સ્માર્ટફોન રાખવાની ચિંતા કરવાની જરૂર નહીં રહે. એક એકાઉન્ટ એક્સેસ કરતી વખતે તમે સરળતાથી એ જ ફોનમાં બીજા એકાઉન્ટ પર સ્વિચ કરી શકશો.
જો તમે પણ એક જ ફોનમાં બે વોટ્સએપ એકાઉન્ટ ચલાવવા માંગો છો, તો આ માટે તમારે એક ફોનની જરૂર પડશે, જે ડ્યુઅલ-સિમ સપોર્ટ સાથે આવે છે તેવો ફોન. બીજું એકાઉન્ટ સેટ કરવા માટે, તમારા ફોનના બીજા સ્લોટમાં બીજું સિમ કાર્ડ હોવું જોઈશે. જેના પર તમને OTP મળશે.
આ રીતે બે એકાઉન્ટ સેટ કરો
સૌથી પહેલા તમારે વોટ્સએપ એકાઉન્ટ ઓપન કરવું પડશે. ત્યાર બાદ સેટિંગ્સમાં જવું પડશે. સેટિંગ્સમાં ગયા પછી, તમારા નામની બાજુમાં દેખાતા એરો પર ટેપ કરો અને તમારુ નવું એકાઉન્ટ ઉમેરવા માટે પસંદ કરો.
આ પછી તમારે બીજો ફોન નંબર નાખવો પડશે. તેનો તમને SMS અથવા કૉલ દ્વારા વેરિફિકેશન માટે કોડ મળશે. એકાઉન્ટ સેટ થઈ ગયા પછી, તમે તમારા નામની
બાજુમાં દેખાતા એરો આઇકોન પર ફરી ક્લિક કરીને સરળતાથી એક એકાઉન્ટ અને બીજા એકાઉન્ટ વચ્ચે સ્વિચ કરી શકશો. માર્ક ઝકરબર્ગની ફેસબુક પોસ્ટ અનુસાર, ટૂંક સમયમાં તમે આ ફીચરનો ઉપયોગ કરી શકશો.
ધ્યાન રાખો
જો તમે એક જ ફોનમાં બે એકાઉન્ટ ચલાવવા માટે ઓફિશિયલ એપને બદલે કોઈ થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તેને હવે બંધ કરી દો, આવી એપ્સ તમારા વોટ્સએપ એકાઉન્ટના ડેટા અને એકાઉન્ટના સેફ્ટી બંને માટે જોખમકારક સાબિત થઈ શકે છે. જે તમને ભવિષ્યમાં પારાવાર મુશ્કેલીમાં મૂકી શકે છે.