વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. નવા સંસદ ભવનના ગેટ નંબર એકમાંથી વડાપ્રધાને પ્રવેશ કર્યો હતો, તેમનું સ્વાગત લોકસભાના સ્પીકર ઓમ બિરલા દ્વારા કરાયું હતું. બાદમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે ભારત ન માત્ર સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે, સાથે સાથે મધર ઓફ ડેમોક્રેસી પણ છે. અને લોકશાહી આપણા સંસ્કાર, વિચાર અને પરંપરા છે. આજે નવા સંસદ ભવનને જોઇને દરેક ભારતીય ગૌરવ લઇ રહ્યો છે. નવા સંસદ ભવનમાં વિરાસત, વાસ્તુ અને કલા, કૌશલ્ય પણ છે. નવી સંસદ વિશ્વને લોકશાહીનો બોધ આપતું મંદિર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે લોકસભાનો આંતરિક હિસ્સો રાષ્ટ્રીય પક્ષી મોર પર આધારીત છે. રાજ્યસભાનો હિસ્સો રાષ્ટ્રીય ફૂલ કમળ પર આધારિત છે. અને સંસદના પરિસરમાં રાષ્ટ્રીય વૃક્ષ વડલો પણ છે. દેશની અલગ અલગ રાજ્યો કે વિસ્તારોની વિવિધતાને નવા સંસદ ભવનમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે જ અંગ્રેજોના જમાનાના જુના સંસદ ભવનને પણ યાદ કર્યું હતું, અને કહ્યું હતું કે આજે ભારતે અંગ્રેજો સમયની કોનોલિઅલ માનસિકતાને પાછળ રાખી દીધી છે. અંગ્રેજોના શાસન સમયે બનેલા જુના સંસદ ભવનમાંથી નવા સંસદ ભવન તરફ દેશ આગળ વધ્યો તેને ટાંકીને મોદીએ આ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આપણું બંધારણ જ આપણો સંકલ્પ છે. જે અટકી જાય છે તેનુ ભાગ્ય પણ અટકી જાય છે, જે ચાલ્યા કરે છે તેનુ ભાગ્ય પણ ચાલતુ રહે છે.
તેથી ચાલતા રહેવું જોઇએ. વર્ષો સુધી વિદેશી શાસકોએ આપણા ગૌરવને આપણી પાસેથી છીનવી લીધુ હતું. આ દરિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક પ્રતિક ગણાતા સેંગોલની પણ સંસદ ભવનમાં સ્થાપના કરી હતી. આ દરમિયાન મોદીએ કહ્યું હતું કે ચોલ સામ્રાજ્યમાં આ જ સેંગોલ કર્તવ્ય પથ અને રાષ્ટ્ર પથનું પ્રતિક માનવામાં આવતો હતો. રાજાજીના માર્ગદર્શન હેઠળ આ જ સંગેલો સત્તાના હસ્તાંતરણનું પ્રતિક બન્યો હતો. તમિલનાડુમાંથી અનેક સંતો પણ સંસદ ભવન પહોંચ્યા હતા, જેમને યાદ કરીને મોદીએ કહ્યું હતું કે આ સંતોએ સવારે અમને આશિર્વાદ આપ્યા. તેમના જ માર્ગદર્શન હેઠળ પવિત્ર સેંગોલ સ્થાપિત થયો છે. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે નવા રસ્તા પર ચાલીને જ નવા કીર્તિમાન સ્થાપિત થાય છે. નવુ ભારત નવા લક્ષ્યો નક્કી કરી રહ્યું છે. નવો જુસ્સો, નવી સફર, નવી વિચારધારા, નવી દિશા અને દ્રષ્ટિ પણ આજે નવી છે. સંકલ્પ નવો, વિશ્વાસ પણ નવો છે.
નવી લોકસભાના હોલમાં પોતાનું ભાષણ આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે દેશની યાત્રામાં કેટલીક ક્ષણ એવી આવે છે જે હંમેશાને માટે અમર થઇ જાય છે. કેટલીક તારીખો સમયના લલાટ પર ઇતિહાસના હસ્તાક્ષર બની જાય છે. આજે પણ એવો જ અવસર છે, દેશ આઝાદીના ૭૫ વર્ષ થતા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. આજે સવારે જ સંસદના પરિસરમાં સર્વપંથ પ્રાર્થના કરવામાં આવી, હું દેશના દરેક નાગરિકોને ભારતીય લોકશાહીની આ સ્વર્ણિમ ક્ષણ પર શુભેચ્છા પાઠવું છું.
વડાપ્રધાને કહ્યું હતું કે આ માત્ર એક સંસદ ભવન નથી પણ ૧૪૦ કરોડ ભારતવાસિયોંની આકાંક્ષાઓ અને સપનાઓનું પ્રતિબિંબ છે. વિશ્વને લોકશાહીનો સંદેશો આપનારંુ મંદિર છે. મોદીએ કહ્યું હતું કે આ સંસદમાં જે પણ નિર્ણયો લેવામાં આવશે તે ભારતના ઉજળા ઇતિહાસનો પાયો નાખશે, ગરીબ, દલિત, આદિવાસીઓ, દિવ્યાંગો, દરેક વર્ગોનું સશક્તિકરણ અહીંથી જ નક્કી થાય છે. આ સંસદ ભવનની દરેક ઇંટો અને દિવાલો દેશના ગરીબોના વિકાસ માટે અર્પણ થવી જોઇએ.