અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાંથી વધુ એક ગેરકાયદેસર કોલસેન્ટર ઝડપાતા શહેરમાં ફરી એકવાર સાયબર ઠગાઈનું જાળું બહાર આવ્યું છે. માહિતી અનુસાર, આશ્રમ રોડ પર આવેલા સાકાર-9ના 12મા માળે મુનરાઈસ રેમેડી કેર નામની ફાર્મા કંપનીની આડમાં આ કોલસેન્ટર છેલ્લા લગભગ છ મહિનાથી ધમધમતું હતું. આ કોલસેન્ટરના સંચાલકો વિદેશમાં રહેતા લોકો, ખાસ કરીને અમેરિકામાં વસતા NRIને ટાર્ગેટ કરતા હતા. તેઓ આયુર્વેદિક દવાના નામે 600 ડોલરનું પેકેજ ઑફર કરતા અને બાદમાં તેમને હલકી ગુણવત્તાની અથવા અસરકારક ન હોય તેવી દવાઓ મોકલીને મોટા પાયે છેતરપિંડી કરતા હતા.
ચોંકાવનારી બાબત એ છે કે આ કોલસેન્ટર લાંબા સમયથી ચાલતું હોવા છતાં સ્થાનિક પોલીસને તેની કોઈ માહિતગાર નહોતી. તપાસમાં સામે આવ્યું કે મુખ્ય સંચાલક અજય પાઠક તથા તેનો સાથી અભિષેક પાઠક યુવાનોને નોકરી આપીને તેમને અમેરિકામાં ફોન કરાવવામાં લાગેલા હતા. નવરંગપુરા પોલીસ દ્વારા દરોડા પાડીને કુલ 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને મોટા પ્રમાણમાં ડેટા, દસ્તાવેજો તથા ઇલેક્ટ્રોનિક સાધનો જપ્ત કરવામાં આવ્યા છે.
આ કેસમા એવી ચર્ચા પણ છે કે પોલીસની રહેમ નજર હેઠળ આ ગેરકાયદેસર કોલસેન્ટર બિનધાસ્ત રીતે ચલાવવામાં આવી રહ્યું હતું, જેના કારણે હવે પોલીસની ભૂમિકા અને જવાબદારી પર પણ પ્રશ્નો ઉભા થયા છે. હાલ પોલીસે સમગ્ર મોડસ ઑપરેન્ડી, અમેરિકા સુધી પહોંચતી નેટવર્કિંગ તથા આર્થિક લેવડદેવડની તપાસ વધુ ઊંડાણપૂર્વક શરૂ કરી છે. આ કાર્યવાહી સાયબર અપરાધો સામે ગુજરાત પોલીસની સતર્કતાનો સંદેશ આપતી હોવા છતાં, આવા કેન્દ્રો લાંબા સમય સુધી ચલાવતા રહેવાની સત્તાવાર વ્યવસ્થાની ખામીઓ પણ સ્પષ્ટ કરે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel