15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત-પાકિસ્તાનની મેચ રમાવાની છે, એ અગાઉ બહારથી આવતા ક્રિકેટરસિયાઓએ અમદાવાદની હોટલોમાં એડવાન્સ રૂમ બુકિંગ કરાવી લીધાં છે. ઘણી હોટલોએ તો 14 અને 15 ઓક્ટોબર માટે હાઉસફુલનાં બોર્ડ લગાવી દીધાં છે ત્યારે હવે ક્રિકેટચાહકોએ મેચ જોવા વધુ એક નવો કીમિયો શોધી કાઢ્યો છે.
ક્રિકેટરસિયાઓએ અમદાવાદની હોટલોમાં એડવાન્સ રૂમ બુકિંગ કરાવી લીધા
ખાસ કરીને ઓવરસીઝ અને ગુજરાત બહારના ક્રિકેટરસિયાઓએ અમદાવાદની ફાઈવસ્ટાર જેવી ફેસિલિટી ધરાવતી હોસ્પિટલોમાં મેચના દિવસો માટે બુકિંગ કરાવવા ઈન્ક્વાયરી શરૂ કરી છે. અપોલો હોસ્પિટલ અમદાવાદના સીઇઓ નીરજ લાલે જણાવ્યું હતું કે સામાન્ય રીતે ઓક્ટોબરમાં બોડી ચેકઅપ માટે ઓવરસીઝ દર્દીઓની ઈન્કવાયરી આવતી હોય છે, પણ આ વર્ષે ઓક્ટોબર સેકન્ડ અને થર્ડ વીક માટે બ્લોક બુકિંગ માટે કેન્યાથી ઈન્કવાયરી આવી રહી છે. એમાંથી કેટલાકે એવું પૂછ્યું હતું કે તમારી હોસ્પિટલથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કેટલું દૂર પડે છે. અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ. નિખિલ લાલાએ કહ્યું હતું કે અમારી હોસ્પિટલમાં બોડી ચેક અપના નાઈટ સ્ટેના કેટલાંક પેકેજ છે, જેમાં ખાસ કરીને દર્દીનો સ્લીપ એપ્નિયા ટેસ્ટ કરવામાં આવે છે.
સિંગલ બેડ રૂમ અને ટિ્વન બેડ રૂમની પણ ઈન્કવાયરી
તેમણે કહ્યું હતું કે મેચની તારીખો નક્કી થયા બાદ આ પેકેજ માટે 14 અને 15 ઓક્ટોબર માટે એડવાન્સ બુકિંગ માટે એક કેનેડા અને ત્રણ દિલ્હીથી ઈન્ક્વાયરી આવી છે, જેમાં સિંગલ બેડ રૂમ અને ટિ્વન બેડ રૂમની પણ ઈન્કવાયરી આવી છે. ક્રિકેટ મેચ જોવાની દૃષ્ટિએથી પણ લોકો આ તારીખમાં જ હેલ્થ ચેક અપ કરાવવા ઇચ્છતા હોઈ શકે છે. અમારે ત્યાં તો પહેલેથી આ પેકેજ છે. હોટલનું ભાડું હાલ એક લાખ રૂપિયા સુધી પહોંચ્યું છે ત્યારે હોસ્પિટલમાં મોંઘામાં મોંઘો રૂમ હાયર કરે તો એનું ભાડું વધુમાં વધુ 20 હજાર રૂપિયા સુધી છે.
અગાઉથી પ્લાન સર્જરીના દર્દીઓ માટે પણ અનુકૂળ
પ્લાન સર્જરી, જેમ કે કોઈ દર્દીને ની-રિપ્લેસમેન્ટ કરાવવું છે. આવા દર્દીઓની સર્જરી પહેલાં મેડિકલ ક્લિયરન્સ લેવું પડતું હોય છે. દર્દીના સમગ્ર પેકેજમાં પહેલા બે દિવસ વિવિધ તપાસ માટે હોય છે. 16 ઓક્ટોબરે સર્જરી થવાની હોય તો અગાઉની બે તપાસ કરાવ્યા બાદ દર્દી સહેલાઈથી મેચની મજા માણી શકે છે.