કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દાવો કર્યો છે કે 2024માં ફરી એકવાર મોદી સરકાર આવશે. તેમણે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ ફરી એકવાર વિજયી બનશે. ગુરુવારે (1 જૂન) એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે, સરકારે છેલ્લા 9 વર્ષમાં દેશના વિકાસ માટે નોંધપાત્ર કામ કર્યું છે. ઉપરાંત, ગરીબી નાબૂદી અને ભારતને 5 ટ્રિલિયન ડોલર અર્થતંત્ર બનાવવાના PM મોદીના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે રોજગાર વધારવાની જરૂર છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીએ કહ્યું, ‘અમે 2024માં જીતવાના છીએ. આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં જીત અમારી જ થશે. અમે સારું કામ કર્યું છે, તેથી અમે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર પણ સ્થાપિત કરીશું. દેશના વિકાસ માટે લોકો અમને ચૂંટશે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 543માંથી 303 બેઠકો જીતી હતી. કોંગ્રેસને માત્ર 52 બેઠકો મળી હતી.
નીતિન ગડકરીએ વધુમાં કહ્યું કે ભારતની સૌથી મોટી સમસ્યા ભૂખમરો, ગરીબી અને બેરોજગારી છે. ગ્રીન હાઇડ્રોજન, એલએનજી અને વીજળી જેવા પ્રદૂષણ-મુક્ત ઇંધણ પર ચાલતા બાંધકામના કામમાં ઉપયોગમાં લેવાતા સાધનો માટે સસ્તા દરે લોન આપવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. બાંધકામની ગુણવત્તા સાથે બાંધછોડ કર્યા વિના તેની કિંમત ઘટાડવી પણ જરૂરી છે.
નીતિન ગડકરીનું વધુ એક નિવેદન ચર્ચામાં છે. તેમણે એક અલગ કાર્યક્રમમાં કહ્યું કે ઉત્તરાખંડના પિથોરાગઢથી શરૂ થતા કૈલાશ માનસરોવર માર્ગનું 80 થી 85 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. પરંતુ સાથે જ તેમણે હિંદુ મંદિરોને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે દેશમાં હિંદુ મંદિરોમાં સ્વચ્છતા નથી. સારી ધર્મશાળાઓ નથી. તેણે કહ્યું કે તેણે લંડનમાં ગુરુદ્વારા, રોમમાં ચર્ચ અને કેટલાક દેશોમાં મસ્જિદોની મુલાકાત લીધી હતી. ત્યાંનું વાતાવરણ સ્વચ્છ હતું. તેમને જોઈને હંમેશા એવું લાગે છે કે આપણા આસ્થાના સ્થાનો સ્વચ્છ હોવા જોઈએ.
તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં દેહુ-આલંદી પાલખી રોડ માટે 12 હજાર કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. તુલજાપુર, ગંગાપુર, માહુર જેવા તીર્થક્ષેત્રોને સારી રીતે વિકસાવવાના પ્રયાસો ચાલુ છે.