આ વર્ષનું નોબેલ પારિતોષિક ઇરાનનાં મહિલા એક્ટિવિસ્ટ નરગીસ મોહમ્મદીને જાહેર કરાયું છે. તેઓને ઇરાનમાં મહિલાઓની સ્થિતિ સુધારવા માટે કરેલા પ્રયત્નો માટે, આ શાંતિ નોબેલ પ્રાઈઝ નોર્વેજિયન નોવેલ કમિટિએ જાહેર કર્યું છે.
નોબેલ પ્રાઇઝ મેળવનારને એક મેડલ, એક ડીપ્લોમા અને ૧૧ મીલીયન સ્વીડીશ ક્રાઉનની રકમ મળે છે.
૫૧ વર્ષનાં મોહમ્મદીએ ઇરાનમાં માનવ અધિકારને માટે અવાજ ઉઠાવ્યો હતો. તે માટે તેઓએ ઘણો સંઘર્ષ પણ કર્યો છે. અત્યારે તેઓ તહેરાનની ખતરનાક મનાતી ઇવીન-જેલમાં ૧૦ વર્ષની સજા ભોગવી રહ્યાં છેે. તેઓ ઉપર સરકાર વિરુધ્ધ દુષ્પ્રચાર કરવાનો આરોપ છે.
છેલ્લાં ૩૦ વર્ષમાં નરગીસ મોહમ્મદીને તેમનાં લેખન અને આંદોલન માટે અનેકવાર સજાઓ થઇ ચૂકી છે. તેઓને પાંચ વખત દોષિત ઠરાવવામાં આવ્યાં છે. ૧૩ વખત ધરપકડ પણ થઇ છે. આ દરમિયાન તેઓને કુલ ૩૧ વર્ષ જેલમાં રહેવું પડયું છે. અને કુલ મળી ૧૫૪ કોરડાની સજા પણ થઇ છે. તેમના પતિએ કહ્યુપં હતું કે તેમની ઉપર હજી બીજા ૩ કેસો ઊભા છે. તેમાં તેમને વધુ સમયનો કારાવાસ પણ ભોગવવો પડશે.
તેમના પતિની વય ૬૩ વર્ષની છે. તેમનું નામ તગી રહેમાની છે. તેઓ પણ એક લેખક અને સામાજિક કાર્યકર છે. તેઓ ૧૪ વર્ષ કારાવાસ ભોગવી ચુક્યા છે. તેઓ અત્યારે ફ્રાંસમાં તેમનાં જોડીયાં બાળકો સાથે ફ્રાંસમાં દેશવટો ભોગવે છે.
વારંવાર થતી સજાઓને લીધે નરગીસ મોહમ્મદીને તેમનાં બાળકો અને કુટુમ્બીજનોથી દૂર જ રહેવું પડયું છે. તેમનાં ટ્વિન્સનાં નામ અલિ અને કીયાના છે.
મોહમ્મદીનો જન્મ જંજાલી સીટીમાં એક મધ્યમ વર્ગનાં કુટુમ્બમાં થયો હતો. પિતા ખેડૂત હતા. સાથે ભોજન બનાવવાનું કામ કરતા હતા. જો કે માતાનું કુટુંબ રાજકારણ સાથે જોડાયેલું હતું. ૧૯૭૯ની ઇસ્લામીક ક્રાંતિ સમયે તેમના મામા અને બે મામાના પુત્રોને ગિરફતાર કરાયા હતા.
નરગીસ ન્યુક્લિયર ફીઝીક્સનો અભ્યાસ કરતાં હતાં ત્યારે કોલેજમાં જ તેમના પતિ સાથે મેળાપ થયો હતો. તેઓ મહિલા છાત્રા સંગઠન સાથે જોડાવા માગતાં હતાં પરંતુ તે ન થઇ શક્યું તેથી તેમણે પોતે જ સંગઠન બનાવ્યું અને એક મહિલા હાઈકીંગ ગુ્રપ તથા સિવિક એન્ગેજમેન્ટ ગુ્રપ રચ્યું. આવો આ તેજસ્વી મહિલા અત્યારે તો ધર્માંધોની જેલમાં છે.