આર્થિક પ્રતિબંધોના લીધે ઘર આંગણે પ્રજા ભૂખે મરી રહી છે ત્યારે ઉત્તર કોરિયા સમયાંતરે એક પછી એક મિસાઇલ પરીક્ષણો કરતું રહે છે. અણુ ઘેલછા ધરાવતા તાનાશાહ કિમ જોંગ ઉત્તર કોરિયા પરમાણુ દેશ જાહેર કર્યો છે. ઉત્તર કોરિયાના છુપા અણુ કાર્યક્રમો દુનિયાથી અજાણ્યા નથી પરંતુ હવે જાતે જ પોતાને પરમાણુ શકિત ગણાવે છે.
સ્ટેટ પીપલ્સ એસેમ્બલીની બેઠકમાં આની જાહેરાત કરવામાં આવી હતી. સ્ટેટ એસેમ્બલી સંસદની જેમ કરે છે એવો દાવો કરવામાં આવે છે પરંતુ હકિકત એ છે કે આ તો નામ માત્રની છે. કિમ જોગ ઉનના તાનાશાહી શાસનમાં એક રબર સ્ટેમ્પ સંસ્થા છે.
ઉત્તર કોરિયાના સરકારી મીડિયાએ જાણકારી આપતા જણાવ્યું હતું કે પરમાણુ કાર્યક્રમો પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો છતાં ઉત્તર કોરિયાએ સિધ્ધિ મેળવી છે. કિમ જોગ ઉને ગત વર્ષે જ પોતાને સ્થાયી પરમાણુ હથિયાર ધરાવતો દેશ ગણાવ્યો હતો.
સરકારી સમાચાર એજન્સી કેસીએનએ મુજબ સ્ટેટ પીપલ્સ એસેમ્બલીની બેઠક શરુઆતમાં કિમ જોગ ઉને સ્પષ્ટ કર્યુ હતું કે સ્થાયી પરમાણુ દેશને કોઇને પણ બદલવાની પરવાનગી આપવામાં આવશે નહી. કિમ જોંગ ઉને કહયું હતું કે ઉત્તર કોરિયાને અમેરિકા અને સહયોગી દેશોનો ભય હોવાથી પરમાણુ હથિયારોની ખાસ જરુર છે.
અમેરિકાએ કોરિયાઇ પ્રાયદ્વીપ પાસે પોતાની રણનીતિક પરમાણુ સુવિધા વધારી હોવાથી પોતાના પર ખતરો સતત વધતો જાય છે. કિમ જોંગ ઉને અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાન વચ્ચે હાલમાં વધતા જતા સુરક્ષા સમજૂતીને પણ ભયજનક ગણાવી હતી. આથી જ તો પરમાણુ હથિયારોનું આધુનિકીકરણ કરવા તરફ આગળ વધી રહયા છે.
જો કે ઉત્તર કોરિયાને પરમાણુ દેશ જાહેર કરવાનો જાપાન સહિતના દેશોએ વિરોધ કર્યો છે. ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમો અને મિસાઇલો જાપાન,દક્ષિણ કોરિયા અને અમેરિકા જ નહી સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ચિંતાનો વિષય છે. ઉત્તર કોરિયા વિરુધ સંયુકત રાષ્ટ્રમાં પ્રસ્તાવ પસાર કરીને પરમાણુ હથિયારોનો નાશ કરવાનું કદમ સાથે મળીને ઉઠાવવામાં આવશે.