દક્ષિણ કોરિયાના કેટલાક સૈન્ય નિષ્ણાતોએ આધારભૂત પુરાવાના આધારે દાવો કર્યો છે કે, ઉત્તર કોરિયાએ ઇઝરાયેલ પર હુમલો કરવા માટે હમાસને ઘાતક શસ્ત્રો પૂરા પાડ્યા હતા. ઈઝરાયેલ દ્વારા હમાસના જપ્ત કરાયેલા હથિયારોનુ બારીકાઈથી ચકાસણી કરતા જાણવા મળે છે કે, હમાસ દ્વારા ઈઝરાયેલમાં હુમલો કરવા ઉપયોગમાં લેવાયેલા હથિયારો જેમા ખાસ કરીને રોકેટ ગાઝામાં નહી પરંતુ ઉત્તર કોરિયામાં બનાવવામાં આવ્યા હતા. વૈશ્વિક સમાચાર સંસ્થા APએ ઉત્તર કોરિયાના હથિયારો પર નજર રાખનારા દક્ષિણ કોરિયાના બે સૈન્ય નિષ્ણાતોને ટાંકીને આ અહેવાલ પ્રકાશિત કર્યો છે. અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, હમાસે 7 ઓક્ટોબરના હુમલા માટે ઉત્તર કોરિયાના એફ-7 રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ અને ખભાથી ચાલતા હથિયારોનો ઉપયોગ કર્યો હતો.
રોકેટ-સંચાલિત ગ્રેનેડ પ્રક્ષેપકો સિંગલ વોરહેડ ફાયર કરે છે અને ઝડપથી ફરીથી લોડ કરી શકાય છે. તે ખાસ કરીને ગેરિલા યુદ્ધ લડતા દળો સામે ખુબ જ અસરકારક હથિયાર તરીકે કામ કરે છે. એવો પણ દાવો કરવામાં આવે છે કે, ઉત્તર કોરિયાએ સીરિયા, ઇરાક, લેબનોન અને ગાઝા પટ્ટીને F-7 રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ સપ્લાય કર્યા છે. સૈન્ય નિષ્ણાતોનું માનવું છે કે, ઉત્તર કોરિયાએ હંમેશા ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે પેલેસ્ટિનિયન જૂથોને સમર્થન કર્યું છે. સ્મોલ આર્મ્સ સર્વેના વરિષ્ઠ સંશોધક મેટ શ્રોડરે આ અંગે જણાવ્યું હતું કે, હમાસે તેના લડવૈયાઓના રોકેટ-સંચાલિત ગ્રેનેડ અને લોન્ચર્સ સાથેના ફોટા સોશિયલ મીડિયામાં શેર કર્યા છે, આ ફોટાનુ પૃથ્થકરણ કરતા તેમા વોરહેડમાં લાલ પટ્ટી હોય તેવું લાગે છે. જે બિલકુલ ઉત્તર કોરિયાના F-7 જેવું જ છે.
ઉત્તર કોરિયાના F-7નો ઉપયોગ શું છે?
સૈન્ય ક્ષેત્રના નિષ્ણાંતોનું કહેવું છે કે, હમાસ સાથે ઉત્તર કોરિયાના શસ્ત્રો જોવા મળવા એ ચોક્કસથી કોઈ આશ્ચર્યજનક નથી. F-7 રોકેટ-સંચાલિત ગ્રેનેડનો ઉપયોગ સશસ્ત્ર વાહનોને બદલે લશ્કરી લક્ષ્યોને નષ્ટ કરવા માટે કરી શકાય છે. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઑફ સ્ટાફે મંગળવારે પત્રકારો સાથેની બેઠકમાં ઉત્તર કોરિયાના શસ્ત્રોમાંના એક તરીકે એફ-7ની ખાસ ઓળખ કરી હતી. તેઓ માને છે કે હમાસે આ હુમલામાં આ હથિયારોનો ઉપયોગ કર્યો હતો.
ઉત્તર કોરિયાએ ઘણા વધુ હથિયારો મોકલ્યા
ઉત્તર કોરિયાએ, દક્ષિણ કોરિયાના સૈન્ય નિષ્ણાતોના દાવાને ફગાવી દીધા છે. ઉત્તર કોરિયાના વહીવટીતંત્રે આ માટે અમેરિકાને જવાબદાર ઠેરવતા કહ્યું છે કે, તેમની વિરુદ્ધ “જૂઠ્ઠાણા” ફેલાવવામાં આવી રહ્યાં છે. પરંતુ નિષ્ણાતોના મતે ઉત્તર કોરિયાએ માત્ર હમાસને રોકેટ જ નથી મોકલ્યા પરંતુ હમાસે ઈઝરાયેલમાં કરેલા હુમલામાં ઉત્તર કોરિયાની ટાઈપ 58 સેલ્ફ લોડિંગ રાઈફલનો પણ ઉપયોગ કર્યો હતો, જે કલાશ્નિકોવ એસોલ્ટ રાઈફલનું એક આધુનિક સ્વરૂપ છે. આ સિવાય હમાસના લડવૈયાઓના પ્રમોશનલ વીડિયોમાં તેઓ ઉત્તર કોરિયાની બુલસે ગાઈડેડ એન્ટી ટેન્ક મિસાઈલ સાથે પણ જોવા મળ્યા હતા.