પીએમ મોદીના યુરોપ પ્રવાસ દરમિયાન સવાલ પૂછીને ચર્ચામાં આવેલી નોર્વેની મહિલા પત્રકાર હેલી લિંગે હવે એક નવો દાવો કર્યો છે. ઓસ્લોમાં પીએમ મોદીને તીખા સવાલો પૂછવા અને ભારતીય અધિકારી સિબી જ્યોર્જ સાથે દલીલબાજી કર્યા બાદ, હેલી લિંગે દાવો કર્યો છે કે ઇન્ટરનેટ પર ભારે ટ્રોલિંગ વચ્ચે મેટા કંપનીએ તેના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધા છે.
શું છે સમગ્ર વિવાદ?
આ સમગ્ર વિવાદની શરૂઆત ઓસ્લોમાં ભારત અને નોર્વેના પીએમની સંયુક્ત મીડિયા બ્રીફિંગ દરમિયાન થઈ હતી. પ્રેસ મીટ પૂરી થતાં જ જ્યારે પીએમ મોદી રૂમની બહાર નીકળી રહ્યા હતા, ત્યારે ‘ડાગસાવિસેન’ અખબાર સાથે જોડાયેલી મહિલા પત્રકાર હેલી લિંગે પાછળથી બૂમ પાડીને પૂછ્યું હતું કે, ‘દુનિયાના સૌથી સ્વતંત્ર પ્રેસના સવાલોના જવાબ કેમ લેવામાં નથી આવી રહ્યા?’
એટલું જ નહીં, બાદમાં તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘નોર્વે પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ(પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક)માં પ્રથમ ક્રમે છે, જ્યારે ભારત 157મા ક્રમે છે. સરકારોને સવાલ પૂછવા એ જ પત્રકારોની મુખ્ય જવાબદારી છે.’ હેલીના આ સવાલ પર ભારતીય વિદેશ મંત્રાલયના સચિવ સિબી જ્યોર્જે સણસણતો જવાબ આપતા સત્તાવાર બ્રીફિંગમાં કહ્યું હતું કે, જેમને ભારત વિશે કોઈ સમજ નથી, તેમણે આવા સવાલો ન ઉઠાવવા જોઈએ.
Throughout all day I have struggled to log onto my Instagram account. Now I have been suspended. It is a small prize to pay for press freedom, but I’ve never experienced it before. pic.twitter.com/XCitS65Rlg
— Helle Lyng (@HelleLyngSvends) May 19, 2026
સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ થયા સસ્પેન્ડ
પીએમ મોદી સાથે જોડાયેલો આ વિવાદ વાઇરલ થયા બાદ હેલી લિંગે સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે મેટાએ તેના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધા છે. હેલીએ X પર આ અંગેની માહિતી શેર કરતા લખ્યું કે, ‘પ્રેસની આઝાદી માટે આ બહુ નાની કિંમત છે, પરંતુ મેં મારી જિંદગીમાં ક્યારેય આવો અનુભવ કર્યો નથી. હું વધુમાં વધુ ભારતીયોને જવાબ આપવા માંગતી હતી, પરંતુ હવે મારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ થઈ ગયા છે, જેથી જવાબ આપવામાં વિલંબ થશે. મને આશા છે કે મેટા મારા એકાઉન્ટ્સ ટૂંક સમયમાં પાછા આપી દેશે.’
ચાઇનીઝ એજન્ટ હોવાના લાગ્યા આરોપ
સોશિયલ મીડિયા એકાઉન્ટ સસ્પેન્ડ થયા તે પહેલાં હેલી લિંગને ઇન્ટરનેટ યુઝર્સના ભારે ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા પર લોકોએ તેના જૂના આર્ટિકલ્સ અને ચીનના પ્રમુખ શી જિનપિંગ પર લખેલા અહેવાલો શોધી કાઢ્યા હતા. ભારતમાં માનવાધિકાર અને પ્રેસ ફ્રીડમ પર સવાલ ઉઠાવનારી હેલીને યુઝર્સ સોશિયલ મીડિયા પર ‘ફોરેન પ્લાન્ટ’, ‘જાસૂસ’ અને ‘ચાઇનીઝ પ્રોક્સી’ (ચીનની એજન્ટ) કહીને ભારે ટ્રોલ કરી રહ્યા છે.
વિવાદ વચ્ચે ‘X’ પર ફોલોઅર્સ વધ્યા
આ આખા વિવાદ અને ભારે ટીકાઓ વચ્ચે હેલી લિંગની લોકપ્રિયતામાં ડિજિટલ પ્લેટફોર્મ પર મોટો ઉછાળો આવ્યો છે. સોમવારે આ ઘટના બની તે પહેલાં X પર હેલી લિંગના 800થી પણ ઓછા ફોલોઅર્સ હતા. પરંતુ પીએમ મોદી સાથેનો આ વિવાદ સોશિયલ મીડિયા પર વાઇરલ થતાંની સાથે જ, ગણતરીના દિવસોમાં જ તેના ફોલોઅર્સની સંખ્યા વધીને 45,000ને પાર પહોંચી ગઈ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel