જર્મનીથી ભારતીયો માટે સારા સમાચાર આવ્યા છે. જર્મનીમાં નાગરિકત્વ મેળવવાના નવા નિયમો 27 જૂનથી લાગૂ થઈ ગયા છે, જેની મદદથી ત્યાંનું નાગરિકત્વ મેળવવું સરળ બની જશે. એ પણ પોતાનું મૂળભૂત નાગરિકત્વ ગુમાવ્યા વિના. એટલે કે હવે જર્મનીમાં વિદેશીઓને તેમની મૂળ રાષ્ટ્રીયતા છોડ્યા વિના નાગરિકતા મેળવવાની મંજૂરી ઝડપથી મળી જશે.
જર્મનીમાં 27 જૂનથી લાગૂ કરવામાં આવેલો નવો નાગરિકત્વ કાયદો જર્મનીમાં વિદેશીઓને તેમની મૂળ રાષ્ટ્રીયતા છોડ્યા વિના ઝડપથી નાગરિકતા મેળવવાની મંજૂરી આપે છે. વધુ લોકો જર્મનીનું નાગરિકત્વ મેળવવાને લાયક છે. આનો હેતુ 2024માં નેચરલાઈઝેશનના આંકડામાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા રાખીને નાગરિકતા માટેની પાત્રતા વધારવાનો છે. આ અંગેની જાણકારી ખુદ જર્મનીના ગૃહ મંત્રી નેન્સી ફેસરે આપી છે.
જર્મનીના ગૃહ મંત્રી નેન્સી ફેસરે જણાવ્યું કે જર્મનીમાં રહેતા તમામ વિદેશીઓ જેઓ સમાન મૂલ્યો ધરાવે છે અને તમામ જરૂરિયાતોને પૂર્ણ કરે છે તેઓ હવે વધુ ઝડપથી જર્મન નાગરિકત્વ મેળવી શકે છે. જો કે, તેમણે ભારપૂર્વક જણાવ્યું કે હવે યહૂદી વિરોધી, જાતિવાદી અથવા અન્ય કોઈપણ દૂષિત વર્તન દર્શાવનારા વિદેશીઓ માટે હવે સહનશીલતા રહેશે નહીં. જર્મનીનો જે નવો નાગરિકતા કાયદો અમલમાં આવ્યો છે, તેનો હેતુ જર્મન પાસપોર્ટ મેળવવા માટેના વર્તમાન નિયમોને આધુનિક બનાવવાનો છે.
શું છે નવા ફેરફારો?
જર્મનીના નવા નાગરિકત્વ કાયદામાં દસ આવશ્યક મુદ્દાઓનો સમાવેશ થાય છે, જેમાં દરેકનું પોતાનું મહત્ત્વ છે. નવો નાગરિકત્વ કાયદો જર્મનીમાં નાગરિકતા માટે અરજી કરતા વિદેશી રહેવાસીઓને બહુવિધ નાગરિકતા જાળવી રાખવાની પરવાનગી આપે છે. આનો અર્થ એ છે કે નેચરલાઈઝેશન માટેના અરજદારો જ્યારે જર્મન નાગરિકત્વ મેળવે છે ત્યારે તેઓએ તેમની અગાઉની નાગરિકતા છોડવી પડશે નહીં.
નવા કાયદા હેઠળ, નેચરલાઈઝેશન અરજદારો હવે વધુ ઝડપથી જર્મન નાગરિકત્વ મેળવી શકશે. અહેવાલ અનુસાર, જર્મનીમાં પાંચ વર્ષ રહ્યા પછી નાગરિકતા મેળવવા માટે અરજી કરી શકાશે, જે સમયગાળો પહેલા આઠ વર્ષ હતો. સાથે જ જર્મન નાગરિક સાથે લગ્ન કરનારા વિદેશી માટે, જર્મન નાગરિકતા માટે અરજી કરવાની રાહ જોવાનો સમયગાળો હવે ઘટાડીને ચાર વર્ષ કરી દેવામાં આવ્યો છે. સાથે જ એવા લોકો કે જે જર્મન સમાજમાં સંપૂર્ણ રીતે ભળી ગયા હોય, સારી નોકરી કરતા હોય, વોલેન્ટિયરી કામમાં સામેલ હોય, પોતાનો ખર્ચો જાતે ઉઠાવતા હોય, અને પ્રોફિશિયંસી લેવલની જર્મન ભાષા બોલતા હોય, એવા લોકો માટે નેચરલાઈઝેશનનો સમયગાળો ઘટાડીને માત્ર ત્રણ વર્ષ કરી દેવામાં આવ્યો છે.