અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનાં ઐતિહાસિક ઉદ્ધાટન માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથે જનતા સમસ્તને આમંત્રિત કરી છે. ઉદ્ધાટન જાન્યુઆરી ૨૦૨૪માં કરવામાં આવશે. એક સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે કે રામ મંદિર સાથે સંલગ્ન તેવા તમામ પ્રોજેક્ટસ ઝડપભેર પૂરા કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી પોતે જ તેની ઉપર ધ્યાન આપી રહ્યા છે.
સરકારની સત્તાવાર યાદી વધુમાં જણાવે છે કે ડિસેમ્બર-૩૧ – ૨૦૨૩ થી જાન્યુઆરી-૨૦૨૪ સુધીમાં આ મંદરનું બાંધકામ પુરું થ જશે.
જાણકારો જણાવે છે કે તારીખ ૧૩મી જાન્યુઆરીએ ધનર્ક (ધનમાં સૂર્ય) ઉતરતાં ૧૪મી જાન્યુઆરીએ મકર સંક્રાતિ શરૂ થતાં સંભવત: ૧૫મી જાન્યુઆરીએ આ ભવ્ય રામ મંદિરનું ઉદ્ધાટન થશે તેવી ગણતરી ખોટી નથી.
આ મંદિર તરફ જતાં રામ -જાનકી પથ અને ભક્તિ-પથના વિકાસની યોજના પણ તૈયાર થઈ ગઈ છે. તેનો હેતુ શ્રીરામ જન્મભૂમિ અને હનુમાન ગઢી મંદિરમાં ભક્તોના આવન-જાવન માટે સરળતા કરવાનો છે.
ઉ.પ્ર. સરકાર મંદિરનાં ભવ્ય ઉદ્ધાટનની તૈયારીમાં લાગી ગઈ છે. અયોધ્યામાં વિમાનઘરો, રેલવે સ્ટેશનો અને એસ.ટી. બસ સ્ટેશનોને વિસ્તારવામાં તથા સુંદર બનાવવાનાં કાર્યમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ લાગી ગયા છે. શ્રી રામ મંદિરથી શરૂ કરી આવા તમામ પ્રોજેક્ટ મુ.મં. વારંવાર તપાસતા રહે છે.