ઉમરેઠ શ્રી સંતરામ મંદિરમાં ગુરૂ પૂર્ણિમાની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ મંદિરમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને શ્રી સંતરામ મહારાજના પાદુકાનું પુજન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. ગુરૂ પૂર્ણિમાનું મહત્વ સમજાવતા મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજે જણાવ્યું હતુ કે, હિંદુ સંસ્કૄતિમાં ગુરૂ પૂર્ણિમા મોટો ઉત્સવ છે. આ દિવસે સૌ ભક્તો પોતાના ગુરૂના દર્શન કરી આશિર્વાદ પ્રાપ્ત કરતા હોય છે. ગુરૂએ ભક્તો ઉપર આખુ વર્ષ જે કૄપા કરી હોય તે ૠણ અદા કરવાનો દિવસ છે. આજરોજ ગુરુ પૂર્ણિમાના અવસરે ભક્તોએ ગુરુ પાદુકાની પુજન કરી પોતાની ગુરુ ભક્તિ પ્રગટ કરી. શ્રી ગણેશદાસજી મહારાજે જણાવ્યું હતુ કે, વ્યક્તિ પુજનની પરંપરા ન હોવાને કારણે સંતરામ મહારાજની પાદુકા પુજન કરવામાં આવે છે. સંતરામ મંદિરમાં ગુરુ પુજન બાદ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદી ગ્રહણ કરી.