ઈઝરાયલને ચેતવણી આપતાં ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીએબ્દોલ્લાહે સ્પષ્ટત: કહ્યું હતું કે, જો ઝેનોઈસ્ટ (ઈઝરાયલીઓ) તેનું આક્રમણ તત્કાળ નહીં અટકાવે તો અમારા હાથ ટ્રિગર ઉપર જ રહેલા છે. આ વિસ્તારના (મધ્ય-પૂર્વના) તમામ દેશો પણ તેમના હાથ બંદૂકના ટ્રિગર ઉપર જ રાખીને તૈયાર છે.
ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામીન નેતાન્યુહુએ હમાસ ને ખતમ કરવા આપેલી ધમકીને પગલે, ઈરાનના વિદેશ મંત્રીએ ઈઝરાયલને ચેતવણી આપતાં ખુલ્લો પડકાર પણ ફેંક્યો હતો.
દરમિયાન ઈઝરાયલની સેનાએ ગાઝા પટ્ટીમાં આક્રમણ કરવાની પૂરી તૈયારીઓ કરી લીધી છે અને હમાસને ઉખેડીને ફેંકી દેવા કટિબદ્ધ બની ગઈ છે.
ઈરાનના વિદેશ મંત્રીએ આનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, આ નવો ફ્રન્ટ ઉઘાડવાની તમામ જવાબદારી તે ઝીનોઇસ્ટ-રેજીસ અને તેના સાથી અમેરિકા પર જ પડશે.
ઈરાનના વિદેશ મંત્રી હમાસના નેતા ઇસ્માઈલ હેનીએરને કતારમાં મળ્યા હતા. જયાં બંને નેતાઓએ ઈઝરાયલ ઉપર પ્રાણઘાતક હુમલો કરવા વિષે મંત્રણા કરી હતી. તે સાથે તેઓએ સમગ્ર જૂથે (ઓર્ગેનાઈઝેશન ઓફ ઇસ્લામિક ફ્રંટઝ) પણ આ ધ્યેયને સિદ્ધ કરવા પારસ્પરિક સહકાર ચાલુ રાખવા નિર્ણય કર્યો હતો.
ઈરાનની અર્ધસરકારી સમાચાર એજન્સી ફાર્સ ન્યૂઝ એજન્સીએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે થોડા દિવસ પૂર્વે ઈરાનના પ્રમુખ ઇબ્રાહીમ રાયવીએ ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુલ મેકોંરને ફોન કરી પેલેસ્ટાઇનીઓ ઉપર જુલ્મો ગુજારતા અટકાવવા માટે સહાયભૂત થવા અનુરોધ કર્યો હતો.