પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2026ના પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે દેશભરમાંથી કુલ 113 પ્રતિભાઓને ‘પદ્મશ્રી’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે, જેમાં ગુજરાતની પાંચ વિભૂતિઓનો ગૌરવભેર સમાવેશ થયો છે.
આ યાદીમાં અરવિંદ વૈદ્ય, રતિલાલ બોરીસાગર, ધાર્મિકલાલ પંડ્યા, મીર હાજીભાઈ કાસમભાઈ અને નિલેશ માંડલેવાલા જેવા ક્ષેત્રોના આગેવાનો સામેલ છે.
અરવિંદ વૈદ્ય : રંગભૂમિથી ટેલિવિઝન સુધીનો સફર
પ્રખ્યાત હિન્દી સિરિયલ અનુપમામાં ‘બાપુજી’ તરીકે લોકપ્રિય બનેલા અરવિંદ વૈદ્ય ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર છે.
છેલ્લા ચાર દાયકામાં તેમણે 130થી વધુ ગુજરાતી નાટકોમાં અભિનય અને 100થી વધુ નાટકોનું દિગ્દર્શન કર્યું છે, જે તેમની વિશાળ કલા યાત્રા દર્શાવે છે.
રતિલાલ બોરીસાગર : હાસ્ય સાહિત્યના અગ્રણી નામ
ગુજરાતી સાહિત્યમાં હાસ્યલેખન માટે જાણીતા રતિલાલ બોરીસાગરે ‘મરક મરક’ જેવી કૃતિઓ દ્વારા અલગ ઓળખ ઉભી કરી છે.
તેમણે ‘સંભવામિ યુગે યુગે’ જેવી નવલકથા અને ‘એન્જોયગ્રાફી’ જેવી કૃતિઓ દ્વારા વાચકોને મંત્રમુગ્ધ કર્યા છે. તેઓ શિક્ષણ ક્ષેત્રે પણ 21 વર્ષ સુધી સેવા આપી ચૂક્યા છે.
હાજી રમકડું : લોકકલાના અનોખા ધ્વજવાહક
લોકજીભે ‘હાજી રમકડું’ તરીકે જાણીતા મીર હાજીભાઈ કાસમભાઈ ઢોલક વાદનમાં અનોખી ઓળખ ધરાવે છે.
તેમણે 3000થી વધુ ચેરિટી કાર્યક્રમો દ્વારા ગૌસેવા માટે યોગદાન આપ્યું છે અને 1000થી વધુ સ્ટેજ શોમાં પોતાની કલા પ્રસ્તુત કરી છે.
નિલેશ માંડલેવાલા : અંગદાન દ્વારા જીવદાન
સુરતના નિલેશ માંડલેવાલા Donate Life સંસ્થાના સ્થાપક છે અને ગુજરાતમાં અંગદાન અભિયાનના પ્રણેતા તરીકે ઓળખાય છે.
તેમની સંસ્થાએ અત્યાર સુધીમાં 1300થી વધુ અંગદાન કરાવીને હજારો લોકોને નવું જીવન આપ્યું છે.
ધાર્મિકલાલ પંડ્યા : લુપ્ત થતી કળાને જીવંત રાખનાર
93 વર્ષીય ધાર્મિકલાલ પંડ્યાએ ‘માણભટ્ટ’ અને આખ્યાન જેવી પરંપરાગત કલાને જીવંત રાખવામાં અદ્વિતીય યોગદાન આપ્યું છે.
તેમણે દેશભરમાં 3000થી વધુ કાર્યક્રમો આપ્યા છે અને આ કળાના વિકાસ માટે અભ્યાસક્રમ પણ તૈયાર કર્યો છે.
ગુજરાત માટે ગૌરવની ક્ષણ
આ પાંચેય વિભૂતિઓએ પોતાના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપીને માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે. પદ્મશ્રી એવોર્ડ દ્વારા તેમની સેવા અને પ્રતિભાને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel