હવે એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે, પાકિસ્તાનને પણ આ સંગઠનમાં જોડાવાના અભરખા ઉપડયા છે. સ્વાભાવિક રીતે પાકિસ્તાનને આ સંગઠનમાં સામેલ કરવા માટે તેનુ ખાસ દોસ્ત ચીને ભરપૂર પ્રયાસો શરુ કર્યા છે. એવુ મનાઈ રહ્યુ છે કે, ચીનના કહેવા પર પાકિસ્તાનને બ્રિક્સમાં જોડવાનો પ્રસ્તાવ રશિયા દ્વારા મુકવામાં આવશે. જોકે પાકિસ્તાન તરફથી આવી કોઈ સત્તાવાર વિનંતી કરવામાં આવી નથી.
બ્રિકસમાં જે નવા દેશોને જોડવામાં આવ્યા છે તેમાં સાઉદી અરબ, યુએઈ, ઈજિપ્ત, આર્જેન્ટિના, ઈરાન અને ઈથિયોપિયાનો સમાવેશ થાય છે. પાકિસ્તાનના અધિકારીઓએ જોકે બ્રિક્સમાં સામેલ થવાની ઈચ્છા હજી સુધી જાહેરમાં તો બતાવી નથી.
તાજેતરમાં એવા અહેવાલો સામે આવ્યા હતા કે, પાકિસ્તાનને બ્રિકસમાં જોડાવુ છે અને ચીન તેની પેરવી કરી રહ્યુ છે. પાકિસ્તાનના અધિકારીઓ ભલે કશું ના કહે પણ ભવિષ્યમાં પાકિસ્તાનને તેમાં સામેલ કરવા માટે ચીન પોતાના તમામ પ્રયાસો કરશે. બ્રિકસનુ હવે પછીનુ સંમેલન બ્રાઝિલમાં થવાનુ છે અને તેમાં પાકિસ્તાનને સભ્ય બનાવવા માટે પ્રસ્તાવ મુકાય તો નવાઈ નહીં હોય.
જાણકારોના મતે પાકિસ્તાનને ઈસ્લામિક દેશો તરફથી નિરાશા મળી છે. આફ્રિકી દેશો પાસેથી તેને કોઈ ખાસ મદદ મળી રહી નથી. અમેરિકાએ તો પાકિસ્તાન પ્રત્યે કેટલાય વખતથી ઉદાસીન વલણ અપનાવવાનુ શરુ કરી દીધુ છે. આ સંજોગોમાં પાકિસ્તાન બ્રિક્સ સંગઠનમાં જોડાઈને બ્રિક્સ બેંકમાંથી આર્થિક મદદ મેળવવાનો ઈરાદો રાખી રહ્યુ છે.
2009માં ભારત, રશિયા, બ્રાઝિલ, ચીન અને દક્ષિણ આફ્રિકાએ બનાવેલુ બ્રિકસ સંગઠન હવે મોટી તાકાત બનીને ઉભરી રહ્યુ છે. દુનિયાના 40 દેશો તેમાં સામેલ થવા માંગે છે. બ્રિક્સ સંગઠન જી-20 ગ્રુપ કરતા પણ શક્તિશાળી બની શકે છે તેવી આગાહીઓ અત્યારથી થઈ રહી છે.