વિદેશમંત્રી એસ જયશંકર 6 દિવસની યુરોપિયન મુલાકાતે જઈ રહ્યા છે, જ્યાં તેઓ નેધરલેન્ડ, ડેનમાર્ક અને જર્મનીના નેતાઓને મળશે. વિદેશ મંત્રાલયે આ અંગે જાણકારી આપતા કહ્યું કે, આ મુલાકાત દરમિયાન જયશંકર તાજેતરના ભારત-પાકિસ્તાન તણાવ, આતંકવાદ અને ઓપરેશન સિંદૂર સંબંધિત માહિતી શેર કરી શકે છે.
વિદેશમંત્રી યુરોપિન દેશો સાથે આતંકવાદ પર કરશે ચર્ચા
વિદેશમંત્રી એસ જયશંકર આજે નેધરલેન્ડ, ડેનમાર્ક અને જર્મનીની 6 દિવસની મુલાકાત માટે રવાના થશે. આ યાત્રા 19 થી 24 મે સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન, તેઓ આ દેશોના નેતાઓ અને વિદેશમંત્રીને મળશે અને પરસ્પર સહયોગ, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ અને સરહદ પાર આતંકવાદને પાકિસ્તાનના સતત સમર્થનના મુદ્દા પર ચર્ચા કરી શકશે.
આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવની સ્થિતિ હતી. આ પછી વિદેશમંત્રી જયશંકરનો આ પહેલો વિદેશ પ્રવાસ હશે.
ઓપરેશન સિંદૂર વિષે આપી શકે છે જાણકારી
22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું. પડોશી દેશે પણ જવાબી હવાઈ હુમલા કર્યા, જેને ભારતે નિષ્ફળ બનાવ્યા હતા. તેમજ ભારતીય સેનાએ કુલ 9 ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી હતી. જેમાં ભારતીય સેનાએ મુખ્યત્વે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના ઠેકાણાઓને નિશાને લીધા હતા.