યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયન સંસદે પરમાણુ પરીક્ષણને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. રશિયાના નીચલા ગૃહ બાદ હવે રશિયન સંસદના ઉપલા ગૃહે પણ વૈશ્વિક પરમાણુ પરીક્ષણ પ્રતિબંધની મંજૂરીને રદ કરી દીધી છે. તેનો અર્થ એ થયો કે હવે રશિયા નવા પરમાણુ પરીક્ષણો કરવા માટે સ્વતંત્ર થઈ ગયું છે. જોકે આ પગલાથી મોસ્કો અને પશ્ચિમી દેશો વચ્ચે તણાવ વધશે.
હવે આ બિલ રાષ્ટ્રપતિ પુતિન સમક્ષ મોકલાશે
રશિયાએ તેના આ નિર્ણયને અમેરિકા સાથે સમાનતા સ્થાપિત કરવાનું પગલું ગણાવ્યું છે. ફેડરેશન કાઉન્સિલે કોમ્પ્રિહેન્સિવ ન્યુક્લિયર-ટેસ્ટ-બેન ટ્રીટીની બહાલીને રદ કરતું બિલ પસાર કર્યું હતું. હવે આ બિલને અંતિમ મંજૂરી માટે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મોકલવામાં આવશે.
23 વર્ષ પહેલા લીધેલા નિર્ણયને રદ કરશે
નીચલા ગૃહે ગયા અઠવાડિયે આ બિલને મંજૂરી આપી દીધી હતી. પુતિને આ મહિનાની શરૂઆતમાં ચેતવણી આપી હતી કે મોસ્કો અમેરિકાના વલણ સાથે મેળ ખાતી સંબંધિત બિલને મંજૂરી આપવાના તેના 2000ના નિર્ણયને રદ કરી શકે છે. રશિયાએ આક્ષેપ કર્યો હતો કે અમેરિકાએ પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ પર હસ્તાક્ષર કર્યા હતા પરંતુ તેનું પાલન કર્યું નથી. 1996માં અપનાવવામાં આવેલ સીટીબીટી, વિશ્વમાં તમામ પરમાણુ પરીક્ષણો પર પ્રતિબંધ મૂકે છે. જોકે, આ સંધિનો ક્યારેય સંપૂર્ણ અમલ થયો ન હતો.
વૈશ્વિક સંકટની સ્થિતિ સર્જાઈ શકે
હાલમાં રશિયા અને અમેરિકા વચ્ચે તણાવ 1962 ના ક્યુબા મિસાઇલ સંકટ બાદ ટોચના સ્તરે છે. આવી સ્થિતિમાં રશિયા, અમેરિકા અથવા બંને દેશો દ્વારા પરમાણુ પરીક્ષણો ફરીથી શરૂ કરવું સમગ્ર વિશ્વ માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. રશિયાને સોવિયત સંઘના પરમાણુ શસ્ત્રો વારસામાં મળ્યા છે. જૂના સોવિયત યુનિયન પાસેથી મળેલા આ શસ્ત્રોના જોરે રશિયા પાસે પરમાણુ શસ્ત્રોનો વિશ્વનો સૌથી મોટો ભંડાર છે. આવી સ્થિતિમાં આ તણાવ વૈશ્વિક સંકટ સર્જી શકે છે.
યુક્રેનને સૈન્ય સહાયથી પણ પુતિન નારાજ
રશિયાના આ નિર્ણયથી અમેરિકા અને યુક્રેન બંને ચોંકી ગયા છે. રશિયાએ કહ્યું છે કે તેણે જે સંધિને રદ કરવાનો નિર્ણય લીધો છે તેને ચીન, ભારત, પાકિસ્તાન, ઉત્તર કોરિયા, ઈરાન અને ઈજિપ્ત દ્વારા મંજૂરી મળવાની બાકી છે. એવું મનાય છે કે રશિયા યુક્રેનને મળી રહેલી સૈન્ય સહાયને અટકાવી દેવા પરમાણુ પરીક્ષણ ફરીથી શરૂ કરવા પગલું ભરી શકે છે.
CTBTના અમલ બાદથી અત્યાર સુધી 10 પરમાણુ પરીક્ષણો
સંયુક્ત રાષ્ટ્ર અનુસાર 1945 અને 1996ની વ્યાપક પરમાણુ-પરીક્ષણ-પ્રતિબંધ સંધિ વચ્ચે પાંચ દાયકામાં 2,000 થી વધુ પરમાણુ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા. તેમાંથી 1,032 અમેરિકા અને 715 સોવિયેત યુનિયન દ્વારા કરાયા હતા. સોવિયેત સંઘે તેના વિઘટન પહેલા છેલ્લે 1990માં પરીક્ષણ કર્યું હતું, જ્યારે અમેરિકાએ છેલ્લે 1992માં પરીક્ષણ કર્યું હતું. સીટીબીટી બાદથી અત્યાર સુધીમાં 10 પરમાણુ પરીક્ષણો કરવામાં આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, ભારતે 1998માં બે પરીક્ષણો કર્યા હતા, પાકિસ્તાને પણ 1998માં અને ઉત્તર કોરિયાએ 2006, 2009, 2013, 2016 (બે વાર) અને 2017માં બે પરીક્ષણો કર્યા હતા.