Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 24°C

નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન

નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 8 ઓક્ટોબર 2025ના રોજ મહારાષ્ટ્રના નવિ મુંબઈમાં દેશના સૌથી મોટા “ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટ” — નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (NMIA)ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું, જેનો ખર્ચ રૂ. 19,650 કરોડ આવ્યો છે. આ એરપોર્ટ જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડેલ હેઠળ વિકસાવવામાં આવ્યો છે અને હવે મુંબઈને પોતાનું બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળી ગયું છે. NMIA, છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA) સાથે મળીને મુંબઈ મહાનગર ક્ષેત્રની હવાઈ ભીડ ઘટાડશે અને શહેરને વિશ્વના પ્રખ્યાત મલ્ટી-એરપોર્ટ સિસ્ટમ ધરાવતા શહેરોની યાદીમાં સ્થાન અપાવશે.

આ પ્રસંગે વડાપ્રધાન મોદીની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવાર ઉપસ્થિત રહ્યા. એરપોર્ટનું નામ “ડીબી પાટિલ નવિ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ” રાખવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે મુંબઈ મેટ્રોની લાઇન-3 (એક્વા લાઇન)ના અંતિમ તબક્કાનું પણ ઉદ્ઘાટન કર્યું, જેનાથી મુંબઈના પ્રવાસીઓને શહેરની અંદર મુસાફરી વધુ સરળ અને ઝડપી બનશે. તેમણે જણાવ્યું કે, “આજે મુંબઈને તેની લાંબી રાહ પછી પોતાનું બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળી ગયું છે. આ એરપોર્ટ એશિયાની સૌથી મોટી કનેક્ટિવિટી હબ તરીકે ઉદય પામશે અને મુંબઈને નવી ઊંચાઈએ પહોંચાડશે.”

તેમણે જણાવ્યું કે આ એરપોર્ટ છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિ પર બનેલો છે અને તેનો આકાર કમળના ફૂલ જેવો છે, જે ભારતની સંસ્કૃતિ, સમૃદ્ધિ અને આધુનિકતાનું જીવંત પ્રતીક છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આ એરપોર્ટ માત્ર મુસાફરી માટે નહીં, પરંતુ મહારાષ્ટ્રના ખેડૂતો માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે, કારણ કે તે યુરોપ અને પશ્ચિમ એશિયાના સુપરમાર્કેટ્સ સુધી સીધી નિકાસ સુવિધા પૂરી પાડશે, જેના કારણે કૃષિ ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજાર મળશે.

તેમણે યુવાનો અને ટેક્નોલોજી અંગે પણ વિશેષ ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે ભારત આજે ટેક્નોલોજી ક્રાંતિના કેન્દ્રમાં છે અને યુવાનો માટે અસંખ્ય તકો ઉપલબ્ધ છે. “તાજેતરમાં ₹60,000 કરોડની PM સેતુ યોજના શરૂ કરી છે, જે દેશના હજારો ITIને ઉદ્યોગ સાથે જોડે છે. આજથી મહારાષ્ટ્ર સરકારે અનેક ટેકનિકલ શાળાઓ અને ITIમાં એક નવો કાર્યક્રમ શરૂ કર્યો છે, જેમાં બાળકોને ડ્રોન, સૌર ઊર્જા અને ગ્રીન હાઈડ્રોજન જેવી નવીન ટેક્નોલોજીની તાલીમ આપવામાં આવશે,” એમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું.

NMIAને ભારતનો પ્રથમ સંપૂર્ણપણે ડિજિટલ એરપોર્ટ તરીકે વિકસાવવામાં આવ્યો છે. તેમાં વાહન પાર્કિંગ સ્લોટનું પ્રી-બુકિંગ, ઓનલાઈન બેગેજ ડ્રોપ બુકિંગ, ઇમિગ્રેશન સુવિધાઓ અને મુસાફરોના બેગેજ ટ્રેકિંગ જેવી અદ્યતન ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ હશે. અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL)ના CEO અરુણ બંસલના જણાવ્યા અનુસાર, મુસાફરોને તેમના મોબાઇલ ફોન પર બેગેજની સ્થિતિ વિશે સમયસર માહિતી આપવામાં આવશે.

આ એરપોર્ટમાં 3,700 મીટર લાંબો રનવે, અદ્યતન એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ અને આધુનિક પેસેન્જર ટર્મિનલનો સમાવેશ થાય છે, જે મોટા આંતરરાષ્ટ્રીય વિમાનોને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે. NMIAનું સ્થાન વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વપૂર્ણ છે — તે જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT)થી માત્ર 14 કિમી, તલોજા ઇન્ડસ્ટ્રિયલ એરિયાથી 22 કિમી, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક મારફતે મુંબઈ પોર્ટ ટ્રસ્ટથી 35 કિમી, થાણેથી 32 કિમી અને ભિવંડી પાવરલૂમ ટાઉનથી 40 કિમી દૂર છે.

અંદાજ મુજબ, ઓક્ટોબર 2025ના અંત સુધીમાં નવી મુંબઈ એરપોર્ટ માટે ટિકિટ બુકિંગ શરૂ થશે અને ડિસેમ્બર 2025થી ફ્લાઇટ્સનું સંચાલન શરૂ થવાનું છે. શરૂઆતમાં ઇન્ડિગો, અકાસા એર અને એર ઇન્ડિયા એક્સપ્રેસ જેવી એરલાઇન્સ અહીંથી ઉડાન ભરશે. આ પ્રોજેક્ટ માત્ર પરિવહન સુવિધા નહીં, પણ ભારતના વિકાસ, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક વિઝનની નવી ઓળખ બની રહ્યો છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.