વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવાર, 8 સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ વડોદરા અને નવસારીમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. વડોદરામાં લગભગ ₹35,000 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જ્યારે નવસારીમાં ભારતીય જનતા પાર્ટીના નવનિર્મિત મધ્યસ્થ જિલ્લા કાર્યાલય ‘કમલમ્’નું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ વડાપ્રધાન સુરત મારફતે મુંબઈ જવા રવાના થશે.
વડાપ્રધાન મોદી બપોરે આશરે 12 વાગ્યે વડોદરા પહોંચશે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના મેદાનમાં આયોજિત મુખ્ય સરકારી કાર્યક્રમમાં તેઓ અનેક મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દેશ અને રાજ્યને સમર્પિત કરશે તેમજ નવી યોજનાઓના શિલાન્યાસ કરશે.
વડોદરામાં ₹35,000 કરોડના વિકાસકાર્યોની ભેટ
વડોદરાના કાર્યક્રમમાં રોડ, રેલવે, ફ્રેઇટ કોરિડોર અને શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના અનેક પ્રોજેક્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ પ્રોજેક્ટ્સની કુલ કિંમત લગભગ ₹35,000 કરોડ હોવાનું જણાવાયું છે.
આ વિકાસકાર્યો ગુજરાત ઉપરાંત મધ્ય પ્રદેશ સહિતના વિસ્તારોમાં માલપરિવહન, રેલવે કનેક્ટિવિટી અને માર્ગ સુવિધાઓને વધુ મજબૂત બનાવશે.
Western Dedicated Freight Corridorનું લોકાર્પણ
PM મોદી વડોદરામાં Western Dedicated Freight Corridorના મહત્વપૂર્ણ 326 કિલોમીટર લાંબા રૂટનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ આશરે ₹20,700 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.
આ કોરિડોર સાણંદ, મકરપુરા અને ન્યૂ ઉમરગામથી JNPT સુધીના મહત્વપૂર્ણ સેક્શનને આવરી લે છે. આ પ્રોજેક્ટથી જવાહરલાલ નેહરુ પોર્ટ સુધી માલવાહક ટ્રેનોને સીધી અને વધુ કાર્યક્ષમ કનેક્ટિવિટી મળશે.
વડાપ્રધાન આ પ્રસંગે નવી ફ્રેઇટ ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવશે.
₹9,700 કરોડના રેલવે પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત
વડોદરાના કાર્યક્રમમાં વડાપ્રધાન આશરે ₹9,700 કરોડના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સનું પણ ખાતમુહૂર્ત કરશે. આ પ્રોજેક્ટ્સ ગુજરાત અને મધ્ય પ્રદેશમાં અમલમાં આવશે.
રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ આધુનિક અને સક્ષમ બનાવવાના હેતુથી આ યોજનાઓ હાથ ધરવામાં આવી રહી છે. નવા પ્રોજેક્ટ્સથી મુસાફરો અને માલપરિવહન બંને માટે કનેક્ટિવિટી તથા ઓપરેશનલ ક્ષમતામાં વધારો થવાની અપેક્ષા છે.
ત્રણ નેશનલ હાઇવે પ્રોજેક્ટનો શિલાન્યાસ
PM મોદી આશરે ₹1,780 કરોડના ત્રણ નેશનલ હાઇવે પ્રોજેક્ટ્સનો પણ શિલાન્યાસ કરશે.
આ પ્રોજેક્ટ્સમાં NH-48ના કામરેજ-ચલથાણ સેક્શનના સિક્સ લેનિંગનું કામ, વડોદરા-સુરત સેક્શન પર તાપી અને નર્મદા નદીઓ પર મેજર બ્રિજ સંબંધિત કામ અને NH-53 પર વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વડાપ્રધાન NH-48ના વડોદરા-સુરત સેક્શન પર તૈયાર થયેલા કેટલાક નવા સિક્સ લેન ફ્લાયઓવર્સનું પણ ઉદ્ઘાટન કરશે.
વડોદરા મહાનગરપાલિકાના પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ
વડોદરા મહાનગરપાલિકા અને આસપાસના વિસ્તારોમાં પૂર્ણ થયેલા તેમજ શરૂ થનારા વિવિધ શહેરી વિકાસકાર્યોનું પણ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
ગુજરાત સરકારના આશરે ₹2,600 કરોડના વિવિધ વિકાસકાર્યોનો પણ આ કાર્યક્રમ દરમિયાન શિલાન્યાસ થવાનો છે. તેમાં શહેરી સુવિધાઓ, માર્ગ વ્યવસ્થા અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત યોજનાઓનો સમાવેશ થાય છે.
MS યુનિવર્સિટી મેદાનમાં જનસભા
વડોદરામાં વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના મેદાનમાં આયોજિત વિશાળ જનસભાને સંબોધિત કરશે.
આ કાર્યક્રમને લઈને વડોદરા શહેર અને જિલ્લા તંત્ર દ્વારા સુરક્ષા, ટ્રાફિક મેનેજમેન્ટ અને લોકોની અવરજવર માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
વડોદરાથી નવસારી જશે PM મોદી
વડોદરાનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન બપોરે નવસારી જવા રવાના થશે. નવસારીમાં તેઓ ભારતીય જનતા પાર્ટીના નવનિર્મિત મધ્યસ્થ જિલ્લા કાર્યાલય ‘કમલમ્’નું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન પક્ષના કાર્યકરો અને સ્થાનિક લોકોને પણ સંબોધિત કરશે.
નવસારીમાં BJPના નવા ‘કમલમ્’નું ઉદ્ઘાટન
નવસારીમાં તૈયાર થયેલું નવું BJP જિલ્લા કાર્યાલય સંગઠનાત્મક પ્રવૃત્તિઓ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે. વડાપ્રધાન મોદી અહીં કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યા બાદ એક જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે.
PM મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને નવસારીમાં પણ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
નવસારીથી સુરત અને ત્યારબાદ મુંબઈ જશે
નવસારીનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન સુરત તરફ રવાના થશે અને ત્યાંથી મુંબઈ જશે.
મુંબઈમાં તેઓ Global Fintech Fest 2026ના કાર્યક્રમમાં ભાગ લેશે અને તેને સંબોધિત કરશે. ગુજરાતથી મહારાષ્ટ્ર સુધીનો આ પ્રવાસ વિકાસ, ટેક્નોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંગઠનાત્મક કાર્યક્રમોની દૃષ્ટિએ મહત્વપૂર્ણ રહેશે.
PM મોદીના ગુજરાત પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ
8 સપ્ટેમ્બરના PM મોદીના ગુજરાત પ્રવાસને લઈને વડોદરા, નવસારી અને સુરત સહિતના વિસ્તારોમાં પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સુરક્ષા એજન્સીઓ, પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમ સ્થળો, માર્ગ વ્યવસ્થા અને ભીડ નિયંત્રણની સમીક્ષા કરવામાં આવી રહી છે.
વડોદરામાં હજારો કરોડના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને નવસારીમાં નવા BJP કાર્યાલયના ઉદ્ઘાટનને કારણે વડાપ્રધાનનો આ ગુજરાત પ્રવાસ રાજકીય અને વિકાસલક્ષી બંને રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel