વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર પ્રવાસે જઈ રહ્યા છે જો કે આ પ્રવાસ દેશમાં દેશના ચાર રાજ્યોમાં છે. ત્યારે પીએમ એક સાથે ચારે રાજ્યોની મુલાકાતે જવાના છે તેની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 7 જુલાઈથી 2 દિવસમાં છત્તીસગઢ બાદ ઉત્તર પ્રદેશ, તેલંગાણા અને રાજસ્થાનની પ્રવાસે જશે. આ દરમિયાન ગોરખપુર ઉપરાંત પીએમ મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની પણ મુલાકાત લેશે. જે પ્રવાસ દરમિયાન પીએમ ગોરખપુરથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી શરુ કરાવશે.
પીએમ 4 રાજ્યની મુલાકાતે
મળતી માહિતી મુજબ ભારતના વડાપ્રધાન દેશના વિકાસ માટે દેશ વિદેશમાં પ્રવાસ કરી રહ્યા છે તેમજ બીજી તરફ લોકોસભાની ચૂંટણી પણ તાબડતોડ તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના 4 રાજ્યના પ્રવાસે જવાના છે. 7 જુલાઈએ છત્તીસગઢથી 4 રાજ્યોના પ્રવાસની શરૂઆત કરશે. છત્તીસગઢ બાદ પીએમ મોદી ઉત્તર પ્રદેશ, તેલંગાણા અને રાજસ્થાનની પણ મુલાકાત લેશે. આ દરમિયાન તે ઘણા કાર્યક્રમોમાં સામેલ થશે. આ સાથે તેઓ 2 દિવસમાં 3 જાહેરસભાઓને સંબોધશે.
છત્તીસગઢમાં ચૂંટણી પ્રચાર
PM 7 જુલાઈ શુક્રવારે રાયપુરમાં સવારે જનસભા સંબોધિત કરવાના છે તેમજ આ પ્રસંગે પીએમ વિકાસના કામોનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી આ દરમિયાન છત્તીસગઢમાં બીજેપીના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. ભાજપના છત્તીસગઢ યુનિટે અહીં પીએમ નરેન્દ્ર મોદીની જાહેર સભા માટે 1.5 લાખથી વધુ લોકોને આમંત્રિત કરવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે જે છત્તીસગઢના પ્રવાસ બાદ પીએમ મોદી ઉત્તર પ્રદેશ જવા રવાના થશે. અહીં તેઓ પહેલા ગોરખપુર જશે. ગોરખપુરમાં ગીતા પ્રેસના શતાબ્દી સમારોહમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે.
ગોરખપુરમાં વંદેભારતને આપશે લીલી ઝંડી
પીએમ મોદી ગોરખપુર પહોચી બપોરના 3 વાગ્યા પછી ગોરખપુર રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. ત્યારબાદ પીએમ ગોરખપુરથી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી માટે રવાના થશે. તેઓ સાંજે 5 વાગ્યે ત્યાં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
વારાણસીમાં સ્થાનિક નેતાઓ સાથે બેઠક
PM મોદી વારાણસીમાં રાત્રી રોકાણ કરવાના છે ત્યારે આ દરમિયાન વારાણસીના સ્થાનિક નેતાઓ સાથે બેઠક કરશે. ત્યારબાદ બીજા દિવસે 8 જુલાઈ, શનિવારે પીએમ તેલંગાણા જવા રવાના થશે. PM મોદી તેલંગાણાના વારંગલમાં સવારે 10.45 કલાકે વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે. આ પછી તેઓ સવારે 11.30 વાગ્યે વારંગલમાં એક વિશાળ જનસભાને પણ સંબોધિત કરશે. તેલંગાણા બાદ પીએમ મોદી બપોરે રાજસ્થાન જવા રવાના થશે જ્યાં પણ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.