Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 31°C

અમેરિકા-ઇરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરારની તૈયારી! ટ્રમ્પે જાહેર કરી 14 શરતો

અમેરિકા-ઇરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરારની તૈયારી! ટ્રમ્પે જાહેર કરી 14 શરતો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા અને ઇરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવને અંત તરફ લઈ જતી એક મોટી જાહેરાત કરી છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, બંને દેશો વચ્ચેના પ્રસ્તાવિત શાંતિ કરાર પર આગામી રવિવારે સત્તાવાર રીતે હસ્તાક્ષર કરવામાં આવી શકે છે. જો આ કરાર સફળતાપૂર્વક અમલમાં આવે તો મધ્ય પૂર્વની રાજનીતિ, વૈશ્વિક તેલ બજાર અને આંતરરાષ્ટ્રીય વેપાર પર તેની વ્યાપક અસર જોવા મળી શકે છે.

ખાસ કરીને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની ખાડી (Strait of Hormuz) ફરીથી વ્યાપારી જહાજો માટે ખુલવાની સંભાવનાએ વૈશ્વિક બજારોમાં આશાવાદનું વાતાવરણ સર્જ્યું છે. વિશ્વના કુલ તેલ વેપારનો મોટો હિસ્સો આ જ સમુદ્રી માર્ગ મારફતે પસાર થાય છે.

ટ્રમ્પે ઓબામા યુગના કરાર સાથે કરી સરખામણી

સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં ટ્રમ્પે આ પ્રસ્તાવિત સમજૂતીની સરખામણી પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન થયેલા પરમાણુ કરાર સાથે કરી હતી. જોકે ટ્રમ્પનો દાવો છે કે નવી ડીલ અગાઉના કરાર કરતાં વધુ મજબૂત અને અસરકારક હશે.

તેમણે કહ્યું કે આ કરાર દ્વારા ઇરાનને પરમાણુ હથિયાર વિકસાવવાથી સંપૂર્ણપણે રોકવામાં આવશે અને પ્રદેશમાં લાંબા ગાળાની સ્થિરતા સુનિશ્ચિત કરવામાં આવશે.

14 મુખ્ય શરતો પર આધારિત છે પ્રસ્તાવિત કરાર

ઇરાની મીડિયા અહેવાલો અનુસાર અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલી ચર્ચાઓ 14 મહત્વપૂર્ણ શરતો પર આધારિત છે. તેમાં ઇરાન પરના તેલ નિકાસ પ્રતિબંધો હટાવવાથી લઈને જપ્ત કરાયેલા અબજો ડોલરના ભંડોળને મુક્ત કરવા સુધીના મુદ્દાઓનો સમાવેશ થાય છે.

આ પ્રસ્તાવિત સમજૂતી મુજબ ઇરાનને તેના વૈશ્વિક બેંકિંગ અને નાણાકીય સંસાધનોનો ફરીથી સંપૂર્ણ એક્સેસ મળશે. ઉપરાંત અમેરિકા દ્વારા ફ્રીઝ કરાયેલા 24 અબજ ડોલર પણ તબક્કાવાર રીતે મુક્ત કરવામાં આવશે.

1. ઓઇલ નિકાસ પરથી પ્રતિબંધો હટશે: ઇરાનના ક્રૂડ ઓઇલ, પેટ્રોકેમિકલ્સ અને તેની સાથે સંકળાયેલી તમામ પ્રોડક્ટ્સની નિકાસ પર લદાયેલા પ્રતિબંધો દૂર કરવામાં આવશે.

2. નાણાકીય સંસાધનોનો એક્સેસ: ઇરાનને તેના તમામ વૈશ્વિક નાણાકીય સંસાધનો અને બેંકિંગ વ્યવસ્થાઓનો પૂરો એક્સેસ પાછો મળશે.

3. $24 અબજ ડૉલરનું ફંડ મુક્ત કરાશે: 60 દિવસની મધ્યસ્થી વાટાઘાટો દરમિયાન અમેરિકા દ્વારા ફ્રીઝ (જપ્ત) કરાયેલા ઇરાનના 24 અબજ ડોલર મુક્ત કરાશે, જેમાંથી 12 અબજ ડોલર તો વાતચીત શરૂ થતાં પહેલાં જ રીલીઝ કરવા પડશે.

4. ઇરાનનું પુનર્નિર્માણ: અમેરિકા અને તેના સાથી દેશોએ ઇરાનના પુનર્નિર્માણ માટે આશરે 300 અબજ ડોલરની યોજનાઓ રજૂ કરવી પડશે.

5. તમામ મોરચે યુદ્ધવિરામ: લેબનાન સહિતના તમામ સૈન્ય મોરચાઓ પર ચાલી રહેલું યુદ્ધ તાત્કાલિક અને હંમેશા માટે બંધ થઈ જશે.

6. સાર્વભૌમત્વનું સન્માન: અમેરિકા ઇરાનની આંતરિક બાબતોમાં દખલ ન કરવા અને ઇરાનના સાર્વભૌમત્વનું સન્માન કરવાનું વચન આપશે.

7. નૌસૈનિક નાકાબંધીનો અંત: અમેરિકા દ્વારા ઇરાન આસપાસ લગાવવામાં આવેલી નૌસૈનિક નાકાબંધી 30 દિવસની અંદર સંપૂર્ણપણે હટાવી લેવામાં આવશે.

8. અમેરિકન સેના પાછી ખેંચાશે: અમેરિકન સૈન્ય દળો ઇરાનની આસપાસના વિસ્તારો અને સરહદો પરથી પાછા હટી જશે.

9. હોર્મુઝની ખાડી ખુલશે: હોર્મુઝ સ્ટ્રેટને ઇરાનની દેખરેખ અને વ્યવસ્થા હેઠળ 30 દિવસની અંદર ફરીથી સત્તાવાર રીતે વ્યાપારી જહાજો માટે ખુલ્લી મૂકી દેવાશે.

10. 60 દિવસની વાટાઘાટો: પરમાણુ મુદ્દાઓ અને પ્રતિબંધોને કાયમી ધોરણે હટાવવા માટે આખરી કરાર સુધી પહોંચવા 60 દિવસનો ઓફિશિયલ સમયગાળો શરૂ થશે.

11. પરમાણુ હથિયાર ન બનાવવાનું વચન: ઇરાન પરમાણુ હથિયાર ન બનાવવાના પોતાના એનપીટી (NPT – પરમાણુ અપ્રસાર સંધિ) ના વચનને વૈશ્વિક સ્તરે ફરીથી દોહરાવશે.

12. સૈન્ય અને પ્રતિબંધો પર રોક: આ 60 દિવસની વાતચીત દરમિયાન અમેરિકા મિડલ ઇસ્ટ ક્ષેત્રમાં પોતાની સેના નહીં વધારે અને ઇરાન પર કોઈ નવા આર્થિક પ્રતિબંધો નહીં લગાવે.

13. યુએન (UN) ની મંજૂરી: આ શરતોના અમલીકરણ પર નજર રાખવા એક વિશેષ મોનિટરિંગ સિસ્ટમ બનાવવામાં આવશે, અને આખરી કરારને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના પ્રસ્તાવ દ્વારા મંજૂરી આપવામાં આવશે.

14.મિસાઇલ પ્રોગ્રામ ડીલની બહાર: સૌથી મહત્વની વાત એ છે કે, ઇરાનનો વિવાદાસ્પદ મિસાઇલ પ્રોગ્રામ અને તેના દ્વારા પ્રાદેશિક ‘રેઝિસ્ટન્સ ગ્રુપ્સ’ (પ્રતિરોધક જૂથો) ને અપાતું સપોર્ટ આ શાંતિ સમજૂતીનો ભાગ નથી.

અહેવાલો અનુસાર, ઇરાન પોતાની શરતો પર મક્કમ છે. જ્યાં સુધી અમેરિકા શરૂઆતના 12 અબજ ડોલર મુક્ત નહીં કરે, ઓઇલ પરના પ્રતિબંધો નહીં હટાવે અને નૌકાદળની નાકાબંધી ખતમ નહીં કરે, ત્યાં સુધી આખરી તબક્કાની સત્તાવાર વાતચીત શરૂ કરવામાં આવશે નહીં.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.