ઈસરોના ચંદ્ર-સૂર્ય મિશનની સફળતા બાદ હવે માનવને અવકાશમાં મોકલવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગગનયાન મિશનને લઈ ઈસરોએ આજે ટ્વીટ કરી અપડેટ આપ્યું હતું. ઈસરોએ લખ્યું હતું કે,ગગનયાન મિશન માટે માનવરહિત ફ્લાઇટ પરીક્ષણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ફ્લાઇટ ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન-1 (TV-D1) માટેની તૈયારીઓ ચાલી રહી છે. જે ક્રૂ એસ્કેપ સિસ્ટમ માટેનું કાર્ય કરે છે. ઈસરોના એક અધિકારીએ જાણકારી આપી કે, ગગનયાન માટે ફ્લાઈટનું પરીક્ષણ 25 ઓક્ટોબરની આસપાસ કરવામાં આવી શકે છે.
Mission Gaganyaan:
ISRO to commence unmanned flight tests for the Gaganyaan mission.
Preparations for the Flight Test Vehicle Abort Mission-1 (TV-D1), which demonstrates the performance of the Crew Escape System, are underway.https://t.co/HSY0qfVDEH @indiannavy #Gaganyaan pic.twitter.com/XszSDEqs7w
— ISRO (@isro) October 7, 2023
3 દિવસ પૃથ્વીની આસપાસ ફરશે ગગનયાન
ISROની યોજના હતી કે ગગનયાન દ્વારા ભારતીય અવકાશયાત્રીઓ 7 દિવસ સુધી પૃથ્વીની પરિક્રમા કરશે, પરંતુ બાદમાં આ યોજના બદલાઈ ગઈ. એવું કહેવામાં આવ્યું હતું કે 7 દિવસના બદલે, અવકાશયાત્રીઓ 1 કે 3 દિવસ પૃથ્વીની પરિક્રમા કરશે. આ મિશનમાં ગગનયાનનું ક્રૂ મૉડલ પૃથ્વીથી 400 કિલોમીટરની ઊંચાઈએ લોઅર અર્થ ઓર્બિટમાં ફરશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મિશનમાં ભારતીય વાયુસેનાના સક્ષમ પાયલટ્સને મોકલવાની તૈયારી છે. એ જ કારણ છે કે તેની તૈયારીઓમાં દરેક બાબતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેથી આ મિશન ખૂબ જ ખાસ છે કારણ કે તેમાં ભૂલ માટે કોઈ સ્થાન જ નથી.
અવકાશયાત્રીઓને ગગનૌટ કહેવામાં આવશે
ગગનયાન પ્રોજેક્ટમાં ત્રણ સભ્યોની ટીમને ત્રણ દિવસના મિશન માટે 400 કિમીની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે અને ત્યારબાદ તેને ભારતીય પ્રાદેશિક જળસીમામાં સુરક્ષિત રીતે પૃથ્વી પર ઉતારવામાં આવશે. આ મિશનમાં ભાગ લેનારા અવકાશયાત્રીઓને ગગનૌટ કહેવામાં આવશે. આ મિશન માટે અવકાશયાત્રીઓની પસંદગી કરવાનું કામ ભારતીય વાયુસેનાને આપવામાં આવ્યું હતું. ચંદ્રયાન-3 પછી ISROનું ગગનયાન મિશન ઘણી રીતે ભારત માટે ખાસ હશે.
ગગનયાન મિશન શું છે?
ISRO આ મિશન દ્વારા પૃથ્વીની નીચલા ભ્રમણકક્ષા (LEO)માં માનવયુક્ત અવકાશયાન મોકલશે. ISROનો ઉદ્દેશ્ય મનુષ્યોને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં મોકલવાનો અને આમ કરવા માટે સ્વદેશી ક્ષમતા વિકસાવવાનો છે. આ માટે મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી છે. ઈસરોનો દાવો છે કે સુરક્ષાની દૃષ્ટિએ આ મિશન માટે જઈ રહેલા અવકાશયાત્રીઓને પૃથ્વી પર મળે તેવી લાઈફ સપોર્ટ સિસ્ટમ આપવામાં આવશે. તેમની સુરક્ષા માટે ખાસ કાળજી લેવામાં આવી છે. મિશન શરૂ કરતા પહેલા અનેક ટેસ્ટ કરીને તેમની સુરક્ષાની ચકાસણી કરવામાં આવશે. આમાં એર ડ્રોપ ટેસ્ટ, પેડ એબોર્ટ ટેસ્ટ અને ટેસ્ટ વ્હીકલ ફ્લાઇટનો સમાવેશ થાય છે. આ પરીક્ષણોના પરિણામો જ જણાવશે કે આ મિશન અવકાશયાત્રીઓને લઈ જવા માટે કેટલું સક્ષમ છે. ગગનયાન મિશન બનાવવામાં ISROએ DRDO અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની પણ મદદ લીધી છે. જો ISRO અવકાશયાત્રીને અવકાશમાં મોકલવામાં સફળ થાય છે, તો તે અમેરિકા, રશિયા અને ચીન પછી માનવીને અવકાશમાં મોકલનાર ચોથો દેશ બની જશે.