વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતે અમેરિકાના પ્રવાસે જવાના છે. આ દરમિયાન તેઓ અમેરિકન સંસદમાં સંબોધન કરવાના છે. આ આમંત્રણ બદલ PM મોદીએ અમેરિકી પ્રતિનિધિ સભાના અધ્યક્ષ કૈવિન મૈક્કાર્થી, સીનેટમાં બહુમતીના નેતા ચક શૂમર, સીનેટ રિપબ્લિક નેતા મિચ મૈકકૉનેલ અને પ્રતિનિધિ સભાના ડેમોક્રેટિક નેતા હકીમ જેફરીઝને આભાર વ્યક્ત કર્યો હતો અને ટ્વિટ કરીને કહ્યું હતું કે, ભારતને અમેરિકા સાથેની તેની વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી પર ગર્વ છે, જે સહિયારા લોકતાંત્રિક મૂલ્યો, લોકો વચ્ચેના મજબૂત સંબંધો અને વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ માટે અતૂટ પ્રતિબદ્ધતાના પાયા પર બનેલ છે.
PM મોદી 22 જૂને અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્રમાં સંબોધન કરશે. અમેરિકી કોંગ્રેસના ટોચના નેતાઓએ શુક્રવારે જાહેરાત કરી હતી કે, PM મોદી ભારતના ભવિષ્ય અંગે પોતાના વિચારો રજુ કરશે અને બંને દેશો સમક્ષ વર્તમાન વૈશ્વિક પડકારો પર સંબોધન કરશે. રાષ્ટ્રપતિ જો બાયડેન 22 જૂને વડાપ્રધાન મોદીની અમેરિકીની સત્તાવાર રાજકીય યાત્રાની મેજબાની કરશે. ત્યારબાદ તેઓ રાજકીય રાત્રિભોજનમાં સામેલ થશે.
અમેરિકી કોંગ્રેસ નેતાઓએ એક નિવેદન કહ્યું હતું કે, અમેરિકી પ્રતિનિધિ સભા અને અમેરિકી સેનેટના દ્વિપક્ષીય નેતૃત્વ તરફથી આપને (પ્રધાનમંત્રી મોદીને) 22 જૂન ગુરુવારે કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરવા માટે આમંત્રિત કરવા એ અમારા માટે સન્માનની વાત છે. જૂન 2016 બાદ વડાપ્રધાન મોદી બીજી વખત અમેરિકી કોંગ્રેસની સંયુક્ત બેઠકમાં સંબોધન કરશે. આ સાથે જ PM મોદી આ બેઠકમાં બીજી વખત સંબોધન કરનારા પ્રથમ વડાપ્રધાન બનશે.
રાજીવ ગાંધી 13 જૂન-1985માં અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્રમાં સંબોધન કરનારા પ્રથમ વડાપ્રધાન હતા. ત્યારબાદ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે 19 જુલાઈ 2015માં, અટલ બિહાર વાજપાઈએ 14 સપ્ટેમ્બર-2000માં, પી.વી.નરસિંહ રાવે 18 મે-1994માં સંયુક્ત સત્રમાં સંબોધન કર્યું હતું. જ્યારે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2016માં સંયુક્ત સત્રમાં પ્રથમવાર સંબોધન કર્યું હતું અને હવે તેઓ આગામી 22 જૂને બીજીવાર સંયુક્ત સત્રને બીજીવાર સંબોધન કરશે અને આ સાથે જ તેઓ અમેરિકી સંયુક્ત સત્રમાં સંબોધન કરનારા ભારતના પ્રથમ વડાપ્રધાન બની ઈતિહાસ રચશે.
વૈશ્વિક સ્તરે જોઈએ તો, બ્રિટનના પૂર્વ વડાપ્રધાન વિંસ્ટન ચર્ચિલે (1941, 1943 અને 1952) અને ઈઝરાયેલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહુ (1996, 2011 અને 2015)એ અમેરિકી સંયુક્ત સત્રમાં 3-3 વખત સંબોધન કર્યું હતું. જ્યારે દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાએ પણ 2 વાર સંબોધન કર્યું હતું.