ભારતના ચંદ્રયાન-3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ થઈ ગયું છે. ISROએ ચંદ્રયાન-3 ચંદ્રનું દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડ થયા બાદ ઈતિહાસ રચી દીધો છે. ISROના પૂર્વ વૈજ્ઞાનિક નંબી નારાયણે જણાવ્યું કે, પહેલાની સરકારોને ISRO પર વિશ્વાસ નહોતો. આ જ કારણ છે કે, ભારતીય સ્પેસ એજન્સીને પૂરતા પ્રમાણમાં બજેટ આપવામાં નહોતું આવતું.
ISROના શરૂઆતના દિવસો વિશે વાત કરતા નંબી નારાયણનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો બીજેપીએ પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો છે. વીડિયોમાં ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક કહી રહ્યા છે કે, સરકારોએ ઈસરોને ત્યારે ફંડ આપ્યું જ્યારે તેણે પોતાની વિશ્વસનીયતા સ્થાપિત કરી લીધી.
Listen to former ISRO scientist Nambi Narayanan. This is a damning indictment of Congress regimes, who had different priorities, never prioritised space research, funds were not allotted, ISRO had no jeeps or cars for research work. They had just one bus, which moved in shifts…… pic.twitter.com/Cc1SP1PO3a
— BJP (@BJP4India) August 27, 2023
ISROના શરૂઆતના દિવસોની સ્થિતિ જણાવી
નંબી નારાયણે કહ્યું કે, અમારી પાસે જીપ, કાર કે કંઈ પણ નહોતું. એનો અર્થ એ કે, અમને કોઈ બજેટ ફાળવવામાં નહોતું આવતું. માત્ર એક બસ હતી જે શિફ્ટમાં ચાલતી હતી. શરૂઆતના દિવસોમાં આવી સ્થિતિ હતી.
એપીજે અબ્દુલ કલામના સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (એસએલવી-3)ના નિર્માણના સમયનો ઉલ્લેખ કરતા નંબી નારાયણે કહ્યું કે, તે સમયે બજેટ પૂછવામાં નહોતું આવતું, બસ આપી દેવામાં આવતુ હતું. તે ખૂબ જ મુશ્કેલ હતું. તેમણે આગળ કહ્યું કે, હું ફરિયાદ નહીં કરીશ પરંતુ સરકારને ISRO પર વિશ્વાસ નહોતો.
PM નહીં તો કોણ લેશે ક્રેડિટ?
વીડિયોમાં જ્યારે ચંદ્રયાન-3ની ઐતિહાસિક સફળતાનો તમામ શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી લઈ રહ્યા છે તેવા વિપક્ષના આરોપો પર સવાલ પૂછવામાં આવ્યો ત્યારે નંબી નારાયણે કહ્યું કે આવા રાષ્ટ્રીય પ્રોજેક્ટની વાત થશે તો વડાપ્રધાન સિવાય બીજું કોણ શ્રેય લેશે? તમે ભલે વડા પ્રધાનને પસંદ નથી કરતા એ તમારી સમસ્યા છે પરંતુ તમે તેમની પાસેથી ક્રેડિટ ન છીનવી શકો. તમે વડા પ્રધાનને પસંદ નથી કરતા આ કારણોસર તમે તેમને પોસ્ટ પરથી હટાવી ન શકો.
કોણ છે નંબી નારાયણ?
નંબી નારાયણનું જીવન કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછું નથી. 1941માં તમિલ પરિવારમાં જન્મેલા નંબી નારાયણે કેરળના તિરુવનંતપુરમમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં એમટેકની ડિગ્રી લીધી હતી. આગળના અભ્યાસ માટે તેઓ ફેલોશિપ પર અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટી ચાલ્યા ગયા હતા.
અમેરિકાથી પરત ફર્યા બાદ તેમણે ISRO સાથે કામ કરવાનું શરૂ કર્યું. તેમણે તેમની કારકિર્દીમાં વિક્રમ સારાભાઈ, સતીશ ધવન અને એપીજે અબ્દુલ કલામ જેવા દિગ્ગજો સાથે કામ કર્યું હતું. તેમને ભારતમાં લિક્વિડ ફ્યુઅલ રોકેટ ટેક્નોલોજીનો શ્રેય આપવામાં આવે છે જેના પછી દેશમાં રોકેટ ઈન્ડસ્ટ્રીને વેગ મળ્યો.
જાસૂસીનો લાગ્યો આરોપ
1994માં નંબી નારાયણના જીવનમાં એક મોટો વળાંક આવ્યો જ્યારે તેમના પર જાસૂસીનો આરોપ લગાવવામાં આવ્યો. આરોપ એ હતો કે, તેમણે સ્પેસ પ્રોગ્રામ સાથે જોડાયેલી માહિતી બે બહારના લોકો સાથે શેર કરી હતી જેમણે તે માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડી દીધી હતી. તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. જાસૂસીના આરોપો વિરુદ્ધ નંબી નારાયણે લાંબી લડાઈ લડી અને 1996માં CBI કોર્ટે આરોપો ફગાવી દીધા હતા. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો જ્યાં સુપ્રીમ કોર્ટે ન માત્ર નિર્દોષતા પર મહોર લગાવી પરંતુ કેરળ સરકારને વળતર આપવાનો પણ આદેશ આપ્યો. કેરળ સરકારે નારાયણને 1.3 કરોડનું વળતર આપ્યુ હતું.