નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં ગઈકાલે વડાપ્રધાન પદના શપથગ્રહણ કરવાની સાથે 72 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. ત્યારે હવે આ તમામ મંત્રીઓને મંત્રાલયોની વહેંચણીની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે વડાપ્રધાન નિવાસસ્થાને આજે મોદી કેબિનેટની પ્રથમ બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં મંત્રાલયની ફાળવણી થવાની પણ સંભાવના છે.
મોડી રાત્રે મંત્રાલયોની ફાળવણીની યાદી જાહેર થવાની સંભાવના
એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે, આજે મોડી રાત્રી મંત્રાલયોની ફાળવણીની યાદી જાહેર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે 30 કેબિનેટ મંત્રી, પાંચ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને 36 રાજ્યમંત્રીઓએ શપથગ્રહણ કર્યા હતા. સૂત્રો પાસેથી એવી પણ માહિતી સામે આવી છે કે, ભાજપ મહત્વના મંત્રાલયો નાણાં, ગૃહ, સંરક્ષણ અને વિદેશ મંત્રાલય પોતાની પાસે જ રાખશે. જ્યારે અન્ય મંત્રાલયોમાં એનડીએના સાથી પક્ષોનો સમાવેશ કરવામાં આવી શકે છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં ભાજપના 25 અને સાથી પક્ષોના પાંચ મંત્રીઓને મંત્રી પદ ફાળવવામાં આવ્યા છે.
આજે યોજાશે મોદી કેબિનેટની પહેલી બેઠક
નવી સરકારે શપથગ્રહણ કર્યા બાદ આજે મોદી કેબિનેટની પ્રથમ બેઠક શરૂ થઈ ગઈ છે, જેમાં શિવરાજ સિંહ ચૌહાણ (મધ્યપ્રદેશ), રાજનાથ સિંહ (ઉત્તર પ્રદેશ), મનોહર લાલ ખટ્ટર (હરિયાણા), સર્બાનંદ સોનોવાલ (આસામ), એચડી કુમારસ્વામી (કર્ણાટક) અને જીતન રામ માંઝી (બિહાર) સહિતના દિગ્ગજ સાંસદો ઉપસ્થિત છે.