તાજેતરમાં સુરક્ષા દળોએ માઓવાદી મોસ્ટ વોન્ટેડ નેતા માડવી હિડમાનો નાશ કર્યા બાદ નક્સલવાદી વિચારોના સમર્થનમાં કેટલાક સમૂહો અને વિદ્યાર્થીઓ સક્રિય બન્યા હોવાનું સામે આવ્યું છે. દિલ્હીમાં ‘પર્યાવરણ અને પ્રદૂષણ’ જેવા સંવેદનશીલ મુદ્દાની આડમાં ભારત સરકાર અને સુરક્ષાદળો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતી ભીડ એકત્ર થઈ હતી. 23 નવેમ્બરના રોજ ઇન્ડિયા ગેટ પર આ ગતિવિધિ દરમિયાન હિડમાના સમર્થનમાં ખુલ્લેઆમ સલામ અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા, જેના પગલે પોલીસે 23 લોકોની ધરપકડ કરી હતી. હવે, આ લોકોને જામીન આપવા માટે પટિયાલા હાઉસ કોર્ટમાં અરજીઓ દાખલ થતાં, દિલ્હીએ પોલીસે કોર્ટ સમક્ષ કડક વાંધો ઉઠાવ્યો છે અને તેમના નક્સલવાદી ગતિવિધિઓ સાથેના સંબંધી પુરાવા રજૂ કર્યા છે.
પોલીસે કોર્ટમાં જણાવ્યું કે BSCEM (ભગત સિંઘ છાત્ર એકતા મંચ) નામના સમૂહની ઇન્સ્ટાગ્રામ પર કરવામાં આવેલી પોસ્ટ્સમાં હિડમાની ખુલ્લેઆમ પ્રશંસા કરવામાં આવી છે. આ પોસ્ટમાં હિડમાને “ક્રાંતિકારી શહીદ” તરીકે રજૂ કરી તેના પક્ષમાં “લાલ સલામ”, “માર્ક્સવાદ-લેનિનવાદ-માઓવાદ અમર રહો” જેવા સૂત્રો લખવામાં આવ્યા હતા. પોલીસ અનુસાર, BSCEM અને તેમાં જોડાયેલા કેટલાક વિદ્યાર્થીઓ નક્સલવાદી વિચારોને મહિમા આપતા હોય છે, જ્યારે ‘રેડિકલ સ્ટુડન્ટ્સ યુનિયન (RSU)’ સાથે જોડાયેલા કેટલાક આરોપીઓ પ્રતિબંધિત સંગઠનોના પ્રશંસાપૂર્વકના ગીતો ગાતા વીડિયો પણ મળ્યા છે. RSUને અગાઉ કોર્ટમાં માઓવાદીઓનું ફ્રન્ટલાઇન સંગઠન ગણાવવામાં આવ્યું છે.
પ્રદર્શનકારીઓ વિરુદ્ધ દાખલ કરેલી FIRમાં સરકારી કર્મચારીઓ પર હુમલો, ફરજ બજાવવા અવરોધ ઊભો કરવો અને મહિલા કર્મચારીઓની નમ્રતા ભંગ કરવાનો આરોપ છે. હાલમાં 23માંથી 21 લોકો પોલીસ રિમાન્ડમાં છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આમાંના અનેક વિદ્યાર્થીઓ અગાઉ પણ રાષ્ટ્રવિરોધી ઝુંબેશોમાં જોડાયેલા રહ્યા છે અને ‘અર્બન નક્સલ’ મોડ્યુલમાં રહ્યા હોવાની શંકા છે.
વિશ્લેષકોનું કહેવું છે કે શહેરી વિસ્તારોમાં આવા ઘટનાઓ દ્વારા વામપંથી અને નક્સલવાદી ગઠબંધનો પર્યાવરણ, માનવાધિકાર, જમીન અધિકાર કે સામાજિક ન્યાય જેવા મુદ્દાઓના નામે વિદ્યાર્થીઓને પ્રેરિત કરે છે. તેઓ હિંસક પ્રવૃત્તિઓમાં સીધો ભાગ ન લેતાં હોવા છતાં વિચારધારા ફેલાવવા, સેમિનારઓનું આયોજન, સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર અને ગ્રામ્ય વિસ્તારોમાં સક્રિય નક્સલ ગઠબંધનો માટે નાણાં અને માનવશક્તિ મેળવવામાં મદદરૂપ થાય છે. તેથી, પોલીસે જામીનનો વિરોધ કરતાં જણાવ્યું છે કે આ કેસ માત્ર પ્રદર્શનનો નથી, પરંતુ નક્સલવાદી નેટવર્ક અને હિંસક વિચારધારાને પ્રોત્સાહન આપતી ગતિવિધિઓ સાથે સીધો સંબંધ ધરાવે છે, તેથી કડક તપાસ જરૂરી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel