શ્રી ઉમિયા માતાજી મંદિર ઊંઝા પ્રેરિત મા ઉમિયાના 1868 માં પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે યોજાનાર ધજા મહોત્સવના ભાગરૂપે કપડવંજથી ઊંઝા રીલે દોડનો આજે સવારે 9:00 કલાકે ઉમિયા માતાજી મંદિર કપડવંજ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ બાબુભાઈ જે. પટેલ, ધજા મહોત્સવ કમિટિના કન્વીનર ગોવિંદભાઈ ચેરમેન, ધજા મહોત્સવ કમિટિના ચેરમેન બાબુભાઈ પટેલ અને પ્રવીણભાઈ પટેલ, ખેડા જિલ્લા સહકારી સંઘના ચેરમેન જયેશ પટેલ, પાટીદાર અગ્રણી મનુભાઈ રામાભાઈ પટેલ અને કમલેશ પટેલ ઉપસ્થિતિ રહ્યા હતાં.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે ઉમિયા સંસ્થાન દ્વારા યોજાયેલ આ રીલે દોડમાં સાહસની સાથે મા ઉમિયાની ભક્તિ અને રાષ્ટ્રભક્તિ પણ જોડાયેલી છે જે સૌ કોઈના માટે પ્રેરણા રૂપ બની રહેશે તેઓએ આયોજકોને અભિનંદન સાથે દોડવીરોને શુભેચ્છાઓ પાઠવી હતી.
કપડવંજથી ઊંઝા 205 કિલોમીટરની આ ઐતિહાસિક રીલે દોડમાં 205 દોડવીરો જોડાયા છે. દરેક દોડવીર વારાફરતી 500 મીટરનું અંતર દોડીને કાપશે. આ આ 205 દોડવીરોની સાથે કપડવંજથી 2000 થી વઘુ લોકો વાહનોમાં આવતીકાલે સવારે ઊંઝા પહોંચશે. જ્યાં ઉમિયા માતા સંસ્થાન ઊંઝા દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવશે.
રિપોર્ટર સુરેશ પારેખ(કપડવંજ )