રશિયન સૈનિકો યુક્રેનમાં એક પછી એક શહેર તરફ આગળ વધી રહ્યા છે. જેના કારણે પશ્ચિમી દેશો રશિયાને સીધા યુદ્ધમાં ઉતર્યા વિના રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકાએ રશિયા પર અનેક પ્રતિબંધો લાદ્યા છે અને તેની પશ્ચિમી સંપત્તિ અને ફોરેન રિઝર્વ જપ્ત કરી લીધા છે. આ જપ્ત કરેલા પૈસાનો ઉપયોગ પણ યુક્રેનની મદદ માટે અમેરિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે. જોકે હવે રશિયાએ અમેરિકાને એની જ ભાષામાં જવાબ આપવાની તૈયારી કરી લીધી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકન સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે હવે અમેરિકાની સાથે મળીને યુક્રેનને મદદ કરનારા દેશોની પણ ચિંતા વધી ગઈ છે.
G7 દેશોનું ટેન્શન વધ્યું!
તાજેતરમાં G7 સભ્ય દેશોએ નિર્ણય લીધો હતો કે રશિયાની જપ્ત કરેલી લગભગ 300 બિલિયન ડૉલરની સંપત્તિનો ઉપયોગ યુક્રેનને મદદ કરવા માટે કરવામાં આવશે. યુરોપિયન યુનિયને પણ આ સપ્તાહની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે તે જપ્ત કરાયેલી સંપત્તિથી થનારી વ્યાજની આવકમાંથી દર વર્ષે યુક્રેનને 2.7 થી 3.3 બિલિયન ડૉલર સુધીની સહાય મોકલશે.
પશ્ચિમી દેશો દ્વારા રશિયા વિરુદ્ધ સતત આવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના જવાબમાં પુતિને એક પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે. આ દરખાસ્ત રશિયાની સરહદોમાં આવેલી અમેરિકન સંપત્તિઓ પર રશિયાની માલિકીને મંજૂરી આપશે.
રશિયા શા માટે મિલકત જપ્ત કરી રહ્યું છે?
રશિયાના મીડિયા અનુસાર અમેરિકામાં રશિયાની સ્થાવર અને જંગમ મિલકતની જપ્તી અને અમેરિકન કંપનીઓમાં રશિયન કંપનીઓના હિસ્સાઓને પણ કબજે કરી લેવામાં આવતા તેના નુકસાનની ભરપાઈ આ અમેરિકન સંપત્તિઓને જપ્ત કરીને કરવામાં આવશે. રશિયન મીડિયાએ આ વર્ષની શરૂઆતમાં દાવો કર્યો હતો કે ક્રેમલિને લગભગ 290 બિલિયન ડૉલરની અમેરિકા તથા તેના ભાગીદાર દેશોની સંપત્તિની ઓળખ કરી છે. રશિયા સામેના પ્રતિબંધો અને રશિયાની મિલકતો જપ્ત કરવાના અમેરિકાના પગલાના જવાબરૂપે આ કાર્યવાહી કરવાની તૈયારી છે.
અમેરિકા અને તેના સહયોગી દેશોનું ટેન્શન વધ્યું…
અહેવાલો અનુસાર, રશિયાએ પહેલાથી જ વિવિધ પશ્ચિમી કંપનીઓની ભૌતિક સંપત્તિ અને રશિયામાં યુરોપીયન બેંકો પાસે લાખો ડોલર જપ્ત કરી લીધા છે. યુક્રેન યુદ્ધની શરૂઆતથી, રશિયામાં કામ કરતી હજારો પશ્ચિમી કંપનીઓએ દેશ છોડી દીધો છે. અમેરિકાએ G7 દેશો કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, બ્રિટન અને યુરોપિયન યુનિયન સમક્ષ યુક્રેનને મદદ કરવાની યોજના રજૂ કરી છે. જે અંતર્ગત રશિયાની સંપત્તિનો ઉપયોગ યુક્રેનને 50 બિલિયન ડોલરની સહાય આપવા માટે કરવામાં આવશે. આ અમેરિકન પ્રસ્તાવ કોંગ્રેસમાં પસાર કરવામાં આવ્યો હતો અને રાષ્ટ્રપતિ બાઈડેને ગયા અઠવાડિયે આ કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા. જે બાદ અમેરિકા રશિયાની સંપત્તિ જપ્ત કરી શકે છે અને તેનો ઉપયોગ યુક્રેનની મદદ માટે કરી શકે છે. એક ટાસ્ક ફોર્સે યુએસ બેંકિંગ સિસ્ટમમાં રશિયાની સેન્ટ્રલ બેંકની ઓછામાં ઓછી 5 બિલિયન ડૉલરની સંપત્તિની ઓળખ કરી છે. રિપોર્ટ અનુસાર, જર્મનીએ પણ સંકેત આપ્યા છે કે તે અમેરિકાની આ યોજનાને અપનાવશે અને જર્મનીમાં હાજર રશિયન સંપત્તિઓને જપ્ત કરશે.