રાજકોટ જિલ્લાના આટકોટ તાલુકામાં સાત વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મના અત્યંત હૃદયદ્રાવક કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કર્યા બાદ માત્ર 11 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. ઘરપકડના 34 દિવસમાં આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો અને આજે, કુલ 45મા દિવસે, કોર્ટે કડકતમ સજા તરીકે ફાંસીનું એલાન કર્યું છે.
આ ભયાનક ઘટના 4 ડિસેમ્બર 2025ના રોજ જસદણના આટકોટ તાલુકાના કાનપર ગામે બની હતી. એક શ્રમિક પરિવારની સાત વર્ષની બાળકી પર આરોપી રેમસીંગ તેરસીંગે ઝાડ નીચે લઈ જઈ હેવાનિયતની તમામ હદો વટાવી દુષ્કર્મ આચર્યું હતું. ક્રૂરતાની પરાકાષ્ઠા કરતાં તેણે બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો ઘુસાડી ગંભીર ઇજા પહોંચાડી હતી. બાળકી બૂમાબૂમ કરવા લાગતાં આરોપી તેને ગંભીર હાલતમાં છોડીને નાસી ગયો હતો. સમયસર સારવાર મળતાં બાળકીનો જીવ બચાવી શકાયો હતો.
ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાયો હતો. પોલીસે શંકાના આધારે 8 ડિસેમ્બર 2025ના રોજ આરોપી રેમસીંગ તેરસીંગને ઝડપી લીધો હતો. નામદાર કોર્ટે 15 ડિસેમ્બર સુધી તેના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તપાસ દરમિયાન ગુનામાં વપરાયેલ લોખંડનો સળિયો મેળવવા અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા આરોપીને સાથે રાખીને પોલીસ ખેતરમાં તેમજ તેના ઘરે પહોંચી હતી.
આ દરમિયાન આરોપીએ ઘરમાં રાખેલા ધારિયા વડે પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપીને બંને પગે ઇજા થઈ હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સમયે આરોપીએ કણસતા અવાજે પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું હતું કે, “મારી ભૂલ થઈ ગઈ, હું ક્યારેય ગુજરાત સામે જોઈશ નહીં.”
તપાસ અધિકારીઓએ કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈ અત્યંત ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આરોપીનો મોબાઈલ ફોન જપ્ત કરી સી.ડી.આર. મેળવવામાં આવ્યા, જેમાં તેની હાજરી કાનપર ગામમાં હોવાનું સાબિત થયું. ઘટનાસ્થળેથી મળેલો લોખંડનો સળિયો, જેમાં બાળકીનું લોહી લાગેલું હતું, તેમજ મળેલા માથાના વાળ—પુરાવાઓ આરોપી સાથે મેળ ખાતા હોવાનું ફોરેન્સિક તપાસમાં સાબિત થયું.
પોલીસે મજબૂત પુરાવાઓ સાથે ઘટનાના 11 દિવસમાં જ ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન આરોપી તરફથી બચાવ માટે અનેક દલીલો રજૂ કરવામાં આવી, પરંતુ સરકાર પક્ષે દ્રઢ પુરાવા અને તર્કો સાથે કેસ રજૂ કર્યો. અંતે, 12 જાન્યુઆરીએ ઘટનાના 38 દિવસ અને ઘરપકડના 34 દિવસ બાદ કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો હતો.
આજે સજાનું એલાન કરતાં નામદાર કોર્ટે આરોપી રેમસીંગ તેરસીંગને ફાંસીની સજા સંભળાવી છે. આ ચુકાદો માત્ર આ કેસમાં પીડિત પરિવારને ન્યાય અપાવવાનો નહીં, પરંતુ સમાજમાં આવા ઘૃણાસ્પદ અપરાધો સામે કડક સંદેશ આપતો અને ઝડપી ન્યાય પ્રણાલીની મજબૂતી દર્શાવતો મહત્વપૂર્ણ દાખલો બની રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો
Like, Share and Subscribe our YouTube channel