અયોધ્યા રામ મંદિરનું નિર્માણ કાર્ય ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે. ત્યારે મંદિરમાં 22 જાન્યુઆરીના રોજ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. જેમાં મંદિરના ગર્ભગૃહનું નિર્માણ થઇ ચૂકયું છે. હવે સામે આવ્યું છે કે રામલલાનું 8 ફૂટ ઊંચું સિંહાસન સંગેમરમર અને સ્વર્ણ જડિત હશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના એક સભ્યએ જણાવ્યું હતું કે સિંહાસન રાજસ્થાનના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે 8 ફૂટ ઊંચું અને 4 ફૂટ પહોળું હશે. આ સિંહાસન 15 ડીસેમ્બર સુધીમાં અયોધ્યા પહોંચી જશે.
પહેલા માળે બે સ્તંભ લગાવવાના બાકી
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાએ કહ્યું કે પહેલા માળે 17 સ્થંભ લગાવેલ છે અને હવે બે સ્તંભ લગાવવાના બાકી છે. પહેલા માળની છત 15 ડિસેમ્બર સુધીમાં તૈયાર થઇ જવાની આશા છે. જેમાં પરિક્રમા માર્ગના ફ્લોરિંગનું કામ પૂરું થઇ ગયું છે અને ગૃહ મંડપમાં સંગેમરમરની ફ્લોરિંગનું કામ ચાલુ છે.
ત્રણ માળનું યાત્રી સુવિધા કેન્દ્ર તૈયાર
યાત્રી સુવિધા કેન્દ્રની ત્રણ માળની છત તૈયાર છે. જયારે રામ મંદિરની બહારની દીવાલના પ્રવેશ દ્વારનું કામ નવેમ્બરના અંત સુધીમાં પૂરું થઇ જશે.
ટ્રસ્ટને દાનમાં સોના-ચાંદીની વસ્તુઓ મળી છે
રામ મંદિર માટે ભક્તોએ મોટા પ્રમાણ માં સોના અને ચાંદીની વસ્તુઓનું દાન કર્યું છે. ટ્રસ્ટના સભ્યએ કહ્યું છે કે દાનમાં મળેલી સોના-ચાંદીની વસ્તુઓને સાચવવામાં સમસ્યા થતી હોવાથી પ્રતિષ્ઠિત સંસ્થાના માર્ગદર્શન હેઠળ તેને પિગળાવીને સાચવવામાં આવશે.
અક્ષત પૂજા માટે 100 ક્વિન્ટલ ચોખાનો ઓર્ડર
હાલમાં જ મંદિરના ટ્રસ્ટ દ્વારા 100 ક્વિન્ટલ ચોખાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. 5 નવેમ્બરે આ ચોખા દ્વારા અક્ષત પૂજા કરવામાં આવશે. ટીમ્જ દેશભરમાં ભગવાન રામના ભક્તોમાં તેનું વિતરણ કરવામાં આવશે. આ સાથે જ 1 ક્વિન્ટલ હળદર અને દેસી ઘી મંગાવવામાં આવ્યું છે જેને વિધિ-વિધાન સાથે અક્ષતમાં ભેળવવામાં આવશે.
ટ્રસ્ટના સચિવ ચંપત રાયે મંગળવારે કહ્યું કે તમામ રાજ્યોમાંથી પ્રતિનિધિઓને 5 નવેમ્બરે અયોધ્યા બોલાવવામાં આવ્યા છે. દરેક પ્રતિનિધિને પાંચ કિલો ચોખા આપવામાં આવશે. તેઓ પોતપોતાના મંદિરોમાં તેની પૂજા કરશે અને જિલ્લા પ્રતિનિધિઓને આપશે. આ પછી, તેને બ્લોક, તાલુકા અને ગામડાઓમાં લોકોને મોકલવામાં આવશે