રણદીપ હુડ્ડા બોલીવૂડના અનુભવી કલાકારોમાંથી એક છે. પોતાના અભિનયની સાથે સાથે તે પોતાના પાત્રને પરફેક્ટ બનાવવામાં કોઈ કસર છોડતા નથી. રણદીપની આગામી ફિલ્મ ‘સ્વતંત્ર વીર સાવરકર’નું ટીઝર સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકરની 140મી જન્મજયંતિ પર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મથી રણદીપ હુડ્ડાએ માત્ર ડાયરેક્ટર તરીકે પોતાની નવી શરૂઆત જ નથી કરી, પરંતુ ફિલ્મમાં આ મહત્વપૂર્ણ ભૂમિકામાં આવવા માટે તેણે ઘણું વજન પણ ઘટાડ્યું છે. પરફેક્ટ શેપમાં આવવા માટે રણદીપ દિવસભર શું ખાતો હતો નિર્માતાએ તેની વિગતો પણ શેર કરી હતી.
ક્રાંતિકારી વિનાયક દામોદર સાવરકરની ભૂમિકામાં આવવા માટે રણદીપ હુડ્ડાએ 18 કિલો વજન ઘટાડવાના અહેવાલ હતા, પરંતુ હવે નિર્માતા આનંદ પંડિતે એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે રણદીપ હુડ્ડાએ વિનાયક દામોદર સાવરકરની ભૂમિકા ભજવવા માટે કુલ 26 કિલો વજન ઘટાડ્યું છે. આનંદ પંડિતે કહ્યું, “તે પોતાના પાત્રમાં ખૂબ જ ઊંડાણ સુધી ઉતરી ગયો હતો. આ પાત્રને પડદા પર ઉતરતા પહેલા તેણે કહ્યું હતું કે તે તેના રોલમાં પરફેક્ટ દેખાવા માટે કોઈ કસર નહી છોડે. જ્યાં સુધી શૂટિંગ પૂરું ન થયું ત્યાં સુધી તે આખા દિવસમાં માત્ર 1 ખજુર અને 1 ગ્લાસ દૂધ જ પીતો હતો. ચાર મહિના સુધી એટલે કે શૂટિંગ પૂરું થયું ત્યાં સુધી આ તેનો રૂટીન હતો.
આનંદ પંડિતે પોતાની વાતને આગળ વધારતા એમ પણ કહ્યું કે રણદીપ હુડ્ડાએ પોતાના પાત્રમાં સંપૂર્ણ રીતે આવવા માટે પોતાના વાળ પણ મુંડાવ્યા હતા. નિર્માતાએ એ પણ જણાવ્યું કે આ ફિલ્મ અગાઉ અભિનેતા અને મરાઠી ફિલ્મ ડાયરેક્ટર મહેશ માંજરેકર ડાયરેક્ટ કરવાના હતા, પરંતુ ડેટ ઈશ્યુને કારણે તે થઈ શક્યું નહીં. તેમણે જ રણદીપ હુડ્ડાને પોતે જ ફિલ્મને ડાયરેક્ટ કરવાનું સૂચન કર્યું હતું. આ ફિલ્મમાં રણદીપ હુડ્ડા ઉપરાંત માર્ક બેનિંગ્ટન જેવા સ્ટાર્સ પણ મહત્વના રોલમાં જોવા મળશે.