શહેરમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા આગામી 20મી જૂને યોજાશે. રથયાત્રાને લઈને જમાલપુર મંદિરે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલ ભગવાન મામાના ઘરેથી નિજ મંદિરે પરત ફર્યા બાદ તેમને પહેરાવવામાં આવતા વાઘા, સોનાના દાગીના અને શણગાર આજે વાજતે ગાજતે ભગવાનને અર્પણ કરવામાં આવ્યા હતા.આ વખતે રથયાત્રામાં 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી અને 3 બેન્ડવાજા જોડાશે. સમગ્ર રથયાત્રાનો રૂટ જાહેર કરવામાં આવ્યો છે.
ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામ નગરયાત્રાએ નીકળે ત્યારે સરસપુર ખાતે મોસાળમાં જાય છે. મોસાળવાસીઓ દ્વારા ભગવાનની આગતા સ્વાગતા કરવામાં આવે છે અને મામેરૂ ભરાય છે. આ વર્ષે ભગવાનને મામેરામાં ત્રણેય ભગવાનના વાઘા, સોનાના ઢોળ ચડાવેલા હાર, સુભદ્રાજીને પાર્વતી શણગાર આપવામાં આવ્યો છે. પાર્વતી શણગારમાં લિપસ્ટિક, કાજલ, ચાંદલા, બેંગલ્સ, નેઇલ પોલીસ, શૃંગારની નાનીથી લઈ મોટી તમામ સામગ્રીનો સમાવેશ થાય છે. ભગવાનના મોરપિચ્છ થીમનાં વાઘા અને ઘરેણાં તૈયાર કરાયા છે.
જમાલપુર જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ મીડિયાને જણાવ્યું હતું કે 18 જૂને રવિવારે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નિજ મંદિરે પરત ફરશે. બાદમાં નેત્ર વિધિ, ધ્વજારોહણ અને મહાઆરતી યોજાશે. બપોરે સાધુ-સંતો માટે ભંડારો અને વસ્ત્રદાન થશે. સોમવારે ભગવાનનો સોનાવેશ શણગાર, પૂજન વિધિ અને મંદિર પ્રાંગણમાં રથપૂજા થશે. અષાઢ સુદ બીજના દિવસે મંગળવારે સવારે ચાર વાગ્યે મંગળા આરતી, મહાભોગ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધિ બાદ રથયાત્રાનો પ્રારંભ થશે.જમાલપુર જગન્નાથ મંદિર તરફથી અયોધ્યામાં રામમંદિર માટે મુગટ મોકલવામાં આવશે.
20 જૂને યોજાનારી રથયાત્રામાં 18 ગજરાજો, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડબાજા, સાધુ-સંતો અને ભક્તો સાથે1200 જેટલા ખલાસીઓ જોડાશે. રથયાત્રા દરમિયાન 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ વહેંચવામાં આવશે. રથયાત્રામાં દર્શન માટે આવનાર લોકોને 2 લાખ ઉપરણા પ્રસાદમાં અપાશે.18 જૂનના રોજ ભગવાન જગન્નાથ મામાના ઘરેથી પરત ફરશે ત્યારે ગર્ભગૃહમાં તેમની પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારબાદ સવારે 7:30 વાગ્યે ભગવાનની નેત્રોત્સવ પૂજન વિધિ કરવામાં આવશે.
આ રૂટ પર રથયાત્રા નીકળશે
- સવારે 7 વાગ્યે-રથયાત્રાનો પ્રારંભ
- 9 વાગ્યે-મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ
- 9.45 વાગ્યે- રાયપુર ચકલા
- 10.30 વાગ્યે-ખાડિયા ચાર રસ્તા
- 11.15 વાગ્યે-કાલુપુર સર્કલ
- 12 વાગ્યે-સરસપુર
- 1.30 વાગ્યે-સરસપુરથી પરત
- 2 વાગ્યે-કાલુપુર સર્કલ
- 2.30 વાગ્યે-પ્રેમ દરવાજા
- 3.15 વાગ્યે-દિલ્હી ચકલા
- 3.45 વાગ્યે-શાહપુર દરવાજા
- 4.30 વાગ્યે-આર.સી. હાઇસ્કૂલ
- 5 વાગ્યે-ઘી કાંટા
- 5.45 વાગ્યે-પાનકોર નાકા
- 6.30 વાગ્યે-માણેકચોક
- 8.30 વાગ્યે-નિજ મંદિર પરત