RBI ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય વર્ષ 2022-23માં દેશના આર્થિક વિકાસના દર અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ 2022-23માં દેશનો આર્થિક વિકાસ દર 7%થી વધુ રહેવાની ભરપૂર શક્યતા છે. CII (ઉદ્યોગ સંઘ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી) ના વાર્ષિક અધિવેશનમાં આરબીઆઈ ગવર્નરે ઉદ્યોગ જગતને સાવચેત કર્યું કે મોંઘવારીના મોરચે હજુ ખતરો ટળ્યો નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કેન્દ્રીય બેન્ક વાસ્તવિક સ્થિતિને ધ્યાનમાં રાખીને જ રેપો રેટ નક્કી કરે છે.
CIIના વાર્ષિક અધિવેશનમાં RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે નાણાકીય વર્ષ 2022-23 માટે જીડીપી ગ્રોથ 7% હોઈ શકે છે. એવી પણ શક્યતા છે કે તે તેનાથી આગળ વધી શકે છે. તેમાં આશ્ચર્ય નહીં હોય જો ગત વર્ષનો જીડીપી વિકાસ દર 7%થી થોડોક વધી જાય. શક્તિકાંત દાસ અનુસાર 2023-24 દરમિયાન આર્થિક વિકાસ દર 6.5% રહેવાની આશા છે.
મોટા ઉદ્યોગપતિઓને સંબોધતા RBI ગવર્નરે કહ્યું કે અર્થતંત્રમાં સુધારાના સંકેત છે પણ આર્થિક મોરચે પડકારો હજુ યથાવત્ છે. ગ્લોબલ સ્તરે જિયોપોલિટિકલ સિચ્યુએશનમાં અનિશ્ચિતતાનો માહોલ છે. વૈશ્વિક વેપાર સંકોચાવાના સંકેત મળી રહ્યા છે. તેમણે કહ્યું કે હું સ્પષ્ટ કહું છું કે મોંઘવારી વિરુદ્ધની લડાઈ હજુ ખતમ થઈ નથી. આપણે સાવચેત રહેવું પડશે.