રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ની મોનિટરી પોલિસી કમિટિ ની આવતા સપ્તાહે મળનારી બેઠકમાં એમપીસી વ્યાજ દરમાં સ્થિરતા જાળવી રાખશે તેવી શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. એપ્રિલમાં મળેલી બેઠકમાં એમપીસીએ રેપો રેટ યથાવત રાખ્યો હતો. ગયા નાણાં વર્ષમાં રેપો રેટ ૨૫૦ બેઝિસ પોઈન્ટ વધારી તેને ૬.૫૦ ટકા લઈ જવાયો છે. દેશમાં ફુગાવાને નિયંત્રણમાં લેવા રેપો રેટમાં સતત વધારો કરવાની ફરજ પડી હતી.
હાલમાં ફુગાવો નીચે આવી રહ્યો છે અને ગયા નાણાં વર્ષ માટેનો આર્થિક વિકાસ દર પણ અપેક્ષાથી સારો જોવા મળ્યો છે, તેને ધ્યાનમાં રાખતા એમપીસી ૮ જુને બેઠકના અંતે રેપો રેટમાં સ્થિરતા જાળવી રાખશે તેવી શકયતા વધુ હોવાનું એક બેન્કરે જણાવ્યું હતું.
દેશમાં એપ્રિલનો રિટેલ ફુગાવો ઘટી ૪.૭૦ ટકા રહ્યો છે જે રિઝર્વ બેન્કના ચાર ટકાના ટાર્ગેટની લગભગ નજીક કહી શકાય એમ છે. એપ્રિલનો ફુગાવો ઘટી ૧૮ મહિનાની નીચી સપાટીએ રહ્યો છે. રિટેલ ફુગાવો બે ટકા ઉપરનીચે સાથે ચાર ટકા જાળવી રાખવા રિઝર્વ બેન્કની જવાબદારી રહેલી છે. દેશનો આર્થિક વિકાસ દર પણ ગયા નાણાં વર્ષનો ૭.૨૦ ટકા તથા માર્ચ ત્રિમાસિક માટે ૬.૧૦ ટકા રહ્યો છે.
ખાધાખોરાકી તથા કોમોડિટીઝના ભાવમાં ઘટાડા તથા નાણાં નીતિની સખતાઈની જોવા મળેલી અસરને કારણે રિટેલ ફુગાવો ધીમો પડી રહ્યોે છે. જો કે અલ નિનોની અસરને ધ્યાનમાં રાખતા ખાધાખોરાકીના ભાવમાં વધારો થવાનું જોખમ અવગણી શકાય નહીં એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.
ફુગાવાને ચાર ટકા સુધી લાવવા પર એમપીસીએ છેલ્લા એક વર્ષમાં નાણાં નીતિને પૂરતી માત્રામાં સખત બનાવી છે, માટે આગામી બેઠકમાં વ્યાજ દરમાં સ્થિરતા રાખવાનું વધુ પસંદ કરાશે. વ્યાજ દરમાં ઘટાડો શરૂ કરવા પહેલા રિઝર્વ બેન્ક થોભો અને રાહ જુઓની નીતિ અપનાવશે એમ એક રેટિંગ એજન્સીના એનાલિસ્ટે જણાવ્યું હતું.
છેલ્લા એક વર્ષમાં વ્યાજ દરમાં વધારાની સાયકલમાં એમપીસીએ ફેડરલ રિઝર્વ કરતા પચાસ ટકા જ સખતાઈ વર્તી છે અને તેના રિઝર્વ બેન્કને પરિણામો પણ જોવા મળી રહ્યા છે ત્યારે હાલના તબક્કે વ્યાજ દરમાં વધુ વધારો કરવાનું તે પસંદ નહીં કરે એમ અન્ય એક બેન્કરે જણાવ્યું હતું.